પોરબંદરઃ પોરબંદરના મહારાણાએ શૈક્ષણિક હેતુ માટે પોતાના માતૃશ્રીની સ્મૃતિમાં દરિયામહેલ સરકારને સોંપ્યો છે તે જર્જરીત બની ગયો હતો અને ત્યાં સરકારી બી.એડ્. અને એમ.એડ્. કોલેજ કાર્યરત હતી. પરંતુ જર્જરીત ઇમારતને કારણે તેનું સ્થળાંતર થયું હતું. આ ઇમારતના નવીનીકરણ માટે જસ્ટીસ ફોર આરજીટીની ટીમે અનેક લડત ચલાવી હતી અને તે અનુસંધાને રૂપિયા ૭ કરોડ ૩૧ લાખ જેવી માતબર રકમ સરકારે મંજુર કરી હતી અને દોઢ વર્ષ પહેલા તેનું રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હાલમાં પ્રથમ ફેઝની કામગીરી અંતિમ તબકકામાં છે ત્યારે મહત્વની બાબત એ છે કે આ મહેલમાં સીમેન્ટનો કયાંય પણ ઉપયોગ થયો નથી પરંતુ અડદ, મેથી, ગુંદ, ગોળ, લાઇમ સ્ટોન વગેરેથી ‘દરિયા મહેલ’ નું રિસ્ટોરેશન થઇ રહ્યું છે.
પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ દરિયામહેલ તરીકે ઓળખાતી આ બિલ્ડિંગ શૈક્ષણિક હેતુ માટે રામબાની સ્મૃતિમાં સરકારને સોંપી હતી અને એવું જણાવ્યું હતું કે ‘જે રીતે મારી માતાએ મારો ઉછેર કર્યો તેવી રીતે તમે આ બિલ્ડિંગની જાળવણી કરજો આ મહેલમાં મહારાણાનું બચપન વિત્યું હતું.
અત્યારની બિલ્ડીંગો થોડા વર્ષોમાં જર્જરીત બની જાય છે તેમાં પણ દરીયાઇપટ્ટી ઉપર આવેલા પોરબંદરમાં ક્ષારને કારણે ઇમારતોને ભેજ લાગી જાય છે. પરંતુ ૧૦૦ વર્ષ કરતા જુના આ દરીયામહેલની દિવાલો ખુબ મજબુત યથાવત પરિસ્થિતિમાં એટલા માટે જોવા મળી છે કે, તેમાં સીમેંટ કોક્રિટ રેતીનો ઉપયોગ થયો નથી અને તેથી જ હાલમાં પણ રિસ્ટોરેશનની કામગીરીમાં કયાંય પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અડદ, ગુંદ, ગોળ, મેથી લાઇમસ્ટોન સહીતની ચીજવસ્તુઓ દ્વારા પેસ્ટ બનાવીને તેના માઘ્યમથી નિર્માણ થઇ રહ્યું છે અને કોતરણી પણ યથાવત પરિસ્થિતિમાં કરવામાં આવી રહી છે.
પોરબંદરના આ દરીયા મહેલને જીવંત કરવા પાછળ ખુબ મોટુ વહીવટી કામ સફળતાપૂર્વક સંપન્ન કરનાર ડો.અલ્તાફ રાઠોડે ખાસ માહીતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં રીસ્ટોરેશન થઇ રહ્યું છે તેમાં પણ અનેકતામાં એકતા જોવા મળી રહી છે. કારણ કે દેશના જુદા જુદા રાજયના કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે. અને પોતાના હાથ વડે જ તે કામ કરે છે.
રાજવીએ માતુશ્રીની યાદમાં સરકારને સોંપેલી ઈમારતને બચાવવા પોરબંદરે લડત કરી હતી
૮૩ એકરમાં ફેલાયેલ આ સમગ્ર વિસ્તાર સરકારને સોંપવામાં આવ્યો હતો અને આરજીટી કોલેજ કાર્યરત થઈ હતી, પરંતુ કેટલાક વર્ષો બાદ પીડબલ્યુડીના તંત્રએ જાળવણી કરવાની ખાસ કોઈ દરકાર ન લેતાં ધીમે ધીમે એ ઐતિહાસિક ઈમારત ભંગાર બની ગઈ હતી. પોરબંદરની જુદી જુદી સંસ્થઆઓ દ્વારા આરીજીટી કોલેજ બચાવો ઝુંબેશ શરૂ થઈ હતી જેનું નેતૃત્વ જસ્ટીસ ફોર આરજીટી નામની કમિટી બનાવીને લેવાયું હતું. જેમાં રેલી, લોકજાગૃતિ માટે કાર્યક્રમો યોજાયા બાદ પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અંતે લોકજાગૃતિ અને આંદોલન બાદ પોરબંદરની આરજીટી કોલેજના સમારકામ માટે જીસીઈઆરટી કચેરી દ્વારા રૂ. ૭ કરોડ ૩૧ લાખ જેવી ગ્રાન્ટ સર્વશિક્ષા અભિયાનની કચેરીને ફાળવેલ હતી.

