અમદાવાદ: બીટકોઈન કૌભાંડ પછી સુરતની ડીકાડો કોઈન કૌભાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. સુરતના દિવ્યેશ દરજી અને તેના સંતાન રંકેશ અને ડીમ્કીએ વિશ્વાસ કેળવતાં ગાંધીનગરના સુચિત પટેલે વર્ષ ૨૦૧૭માં રોકાણો મેળવ્યાં હતાં. શિવરંજની પાસે શેરબજારની નોકરી કરતી પ્રિયંકા ગાંધી નામની યુવતી સાથે કામ કરતી ડીમ્કી દરજી નામની યુવતી તેના પિતા દિવ્યેશ દરજીની વર્ચ્યુઅલ કોઈનની સ્કિમ લઈ આવી હતી. વર્ષ ૨૦૧૭માં દુબઈ ખાતે લોન્ચિંગ કર્યા પછી ચાર વર્ષએ પણ વળતરન ન મળતાં આખરે સીઆઈડી ક્રાઈમમાં અમદાવાદ યુનિટમાં વિધિવત્ ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાંબા સમય પછી ફરી વર્ચ્યુઅલ કોઈનનું ભૂત સળવળતાં ચર્ચા જાગી છે. ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા વેપારી સુચિત પટેલે સુરતના દિવ્યેશ દરજી, રંકેશ દરજી અને ડિમ્કી દરજી સામે ડીકાડો કોઈનની ખોટી વેબસાઈટ બનાવી કુલ ૧૧૭ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ બીટકોઈન કૌભાંડ પણ ગાજ્યું હતું. જેના રેલા રાજકીય હસ્તિઓ સુધી પહોંચ્યા હતા ત્યારે ડીકાડો કૌભાંડમાં કયાં મોટા માથાઓનું નામ ખૂલશે એ જોવાનું રહેશે.
