અંજાર: તાલુકાના ખેડોઇ ગામે અવિશ્વનીય ઘટના બની હતી. ૭૫ વર્ષ પહેલાં મંદિરના શિખર પર કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળતાં ગ્રામજનો ચકિત થઇ ગયા હતા.
ખેડોઇમાં વર્ષ-૧૯૪૫માં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિર ભૂકંપમાં જર્જરિત થઇ જતાં શિખર બદલાવવા માટે હવનનું આયોજન કરાયું હતું. જે વેળાએ શિખરને ટોચ પરના કળશને ઉતરાતા તેમાંથી નાનો કુંભ મળ્યો હતો. કુંભના માથે તાંબાનો સિક્કો હતો, જેમાં ‘માગસર સુદ છઠ’ સોમવાર સંવંત ૨૦૦૨, મહારાવ વિજેરાજજીના વખતમાં’ લખ્યું હતું. જેને ખોલી જોતા જે તે વખતે કળશની પ્રાણપ્રતિષ્ઠા સમયે ધરાવવામાં આવેલો શીરારૂપી પ્રસાદ મળ્યો હતો. શીરો તાજો જ બનાવેલો હોય તેવો જ કળશમાંથી નીકળતા લોકો આશ્ચર્ય પામ્યા હતા.

