અમદાવાદ ઓલિમ્પિક માટે સજ્જ થઈ રહ્યું છેઃ ૭ ગામની સરકારી જમીનના વેચાણ પર પ્રતિબંધ

Wednesday 16th June 2021 07:47 EDT
 

અમદાવાદઃ અમદાવાદ શહેરના મોટેરા ખાતે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરાયું છે સાથે આ સમગ્ર સ્પોર્ટ્સ સંકુલને સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું નામકરણ કરાયું છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં અમદાવાદ એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સની યજમાની કરી શકે તે માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે ઔડાને જવાબદારી સોંપી છે.
ઔડાએ અમદાવાદમાં ઓલમ્પિક ગેમ્સની યજમાની માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત માટે રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર કર્યા છે. ઔડાએ શહેરના મોટેરા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની આસપાસના ૭ ગામની સરકારી જમીનના વેચાણ અને ભાડાપટ્ટા ઉપર આપવા ઉપર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. ઔડાએ તાજેતરમાં અમદાવાદ કલેકટર અને ગાંધીનગર કલેકટરને પત્ર લખી મોટેરા ગામ સહિત આસપાસના ૭ ગામમાં સરકારી જમીનો વેચાણ ન કરવા માટે આદેશ કર્યો છે. શહેરના મોટેરા સહિત આસપાસના ૭ ગામોની તમામ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કરવાનું આયોજન થઈ રહ્યું છે.
ઔડા દ્વારા પ્રથમ તબક્કામાં શહેરને એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સના આયોજન માટે તૈયાર કરવાનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. આ માટે ટેન્ડર કરી એજન્સીની નિમણુંક કરાશે. આ એજન્સીનો રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલશે જે આ રિપોર્ટ કેન્દ્રના રમતગમત મંત્રાલયને સબમિટ કરશે. આ પ્રકારે ગાંધીનગર જિલ્લાના ભાટ, કોટેશ્વર, કોબા, સુઘડ, ઝુંડાલની સરકારી જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ૭ ગામોની સરકારી જમીનોમાં ઓલમ્પિક કક્ષાના ઇન્ડોર સ્ટેડિયમ, ફૂટબોલ સ્ટેડિયમ સહિત અન્ય રમતોના સ્ટેડિયમ તૈયાર કરવાનું આયોજન છે.


comments powered by Disqus