આણંદઃ ગુજરાતકો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ના મેનેજિંગ ડિરેકટર ડો. આર. એસ. સોઢીએ ટોક્યો જાપાનનો પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન (APO) રિજનલ એવોર્ડ મળતા વધુ એક સમ્માન તેમની કારકિર્દીમાં ઉમેરાયું છે. મહત્વનું છે કે ડો. સોઢી છેલ્લાં ૨૦ વર્ષમાં ભારતમાંથી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે.
એપીઓ રિજિયોનલ એવોર્ડઝ દર પાંચ વર્ષે આપવામાં આવે છે. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમણે એશિયા પેસિફિક રિજિયનમાં ઉત્પાદકતાની મુવમેન્ટમાં યોગદાન આપ્યું હોય અને તે એપીઓનુ ચોકકસ અર્થતંત્ર નેશનલ એવોર્ડને પાત્ર બને છે.આ પ્રસંગે ડો. સોઢીએ ગુજરાતના ૩૬ લાખ દૂધ ઉત્પાદકો વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ડો. સોઢી ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ, (ઈરમા)ના પ્રથમ બેચના વિદ્યાર્થી છે. તે વર્ષ ૧૯૮૨માં ઈરમામાંથી અનુસ્નાતક બન્યા પછી તુરંત અમૂલમાં જોડાયા હતા.