ભુજઃ સ્વાદ ગુણવતાના પગલે કચ્છની કેસર કેરી વિશ્વ પ્રખ્યાત બની રહી છે. હવે મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસર કેરીને પ્રમાણિત કરવામાં આવી છે. આ વર્ષે અંદાજે ૧૩ હજાર હેકટરમાં કચ્છી કેરી થઈ છે. જેમાં ૯૦ ટકા કેસર અને ૧૦ ટકા અન્ય કેરી જેવી કે, આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક કચ્છના ખેડૂતો લઈ રહ્યા છે.
જિલ્લાના કેટલાક ગામો કેરીનો પાક ખેડૂતો લઈ રહ્યા છે. જેમાં ગઢશીશા વિસ્તાર એ કેસર કેરીનો વાવેતર વિસ્તાર કહેવાય છે. અહીંની કેસર કેરી ગુજરાત કે ભારત પુરતી સીમિત ના રહેતા કચ્છી કેસરની ખ્યાતિ હવે દેશની સીમાડા વટાવી ગઈ છે. ગઢશીશા વિસ્તારમાં ઘણા બગાયતી ખેડૂતો કેસરનો પાક લે છે પરંતુ પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજાની કેસર કેરી વિદેશમાં પણ ધૂમ વેંચાય છે. બટુકસિંહ જાડેજાએ કોઠાસૂઝ અને વેપારી બુધ્ધિથી કેસર કેરી માટે મસ્કતમાં માર્કેટ ઉભૂં કર્યું છે. હાલ ગુણવત્તાના મામલે મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરી છે.
સૌ પ્રથમ કચ્છની કેસર લંડનમાં પહોંચાડી હતી
બટુકસિંહ જાડેજાએ ૨૦૦૪માં સૌ પ્રથમ કચ્છની કેસરને લંડનમાં પહોંચાડી હતી. ત્યાર બાદ ૨૦૦૬માં સિંગાપુરમાં ટ્રાન્સપોર્ટ કરી હતી. જેની નોંધ લઇ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રમોદીએ તે સમયે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ ૨૦૦૬માં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સિંગાપુરમાં ગુજરાતના ખેડૂત પ્રતિનિધિ તરીકે હાજર રહી પ્રથમ આવ્યા હતા.