ભુજઃ કચ્છના ધોળાવીરા ખાતે વર્ષ ૨૦૧૨માં જીઓલોજીસ્ટ દ્વારા ૧૬ કરોડ વર્ષ જૂના બે જુરાસિક ફોસિલ વૂડ મળી આવ્યા હતાં. હાલમાં આ જુરાસિક ફોસિલ વૂડને રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૨માં આ વૂડને રક્ષિત કરવા તેની ફરતે ફેન્સીંગ કરી લોકોની અવર-જવર બંધ કરાઈ હતી. ધોળાવીરા ખાતે મળી આવેલા બે વૂડ પૈકી એક ૧૧ મીટર લાંબો અને ૧.૫ મીટર પહોળો છે. જ્યારે બીજો ૧૩ મીટર લાંબો અને ૧.૫ મીટરથી પહોળો છે. આ હજારો વર્ષથી ખુલ્લામાં ગરમી, ઠંડી અને વરસાદનો માર સહન કરવાના કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યા છે.
૨૦૧૭થી આ વૂડની આજુબાજુ ડેવલપમેન્ટ શરૂ કરવા અને ટેક્નિકલ માહિતી જાણવા માટે આ પ્રોજેક્ટને સરકારે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ. મહેશ ઠક્કરને સોંપવામાં આવ્યો. ડૉ.ઠક્કરે જણાવ્યું હતું કે, આ પ્રકારના વૂડ પુર અથવા તો ત્સુનામી આવે ત્યારે સમુદ્ર કિનારે તરી આવી રેતાળ વિસ્તારમાં ખૂંચી જાય છે અને ક્રમશઃ લાખો કરોડો વર્ષ પછી આ વૂડ પથ્થરમાં પરિણમી ફોસિલ વૂડ બની જાય છે. આ વૂડ પર જ્યારે સંશોધન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ ૧૬ કરોડ વર્ષ જૂનું છે. જુરાસિક ફોસિલ વૂડને રિસ્ટોર કરવાનું કાર્ય ભારત પ્રથમ વખત થઈ રહ્યું છે.
અગાઉ આ પ્રકારના વૂડ થાઈલેન્ડ, અમેરિકા અને કેનેડામાં પણ જોવા મળ્યા હતા અને ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ત્યાં મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.