ગાંધીનગર: ગુજરાતમાં બાંધકામ નિર્માણમાં એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. પહેલીવાર એવો બ્રીજ ઊભો થઈ રહ્યો છે કે જે માત્ર ૨૦ દિવસમાં ઉપયોગ માટે તૈયાર થયો છે. મહત્ત્વની બાબત એવી છે કે આ ઓવરબ્રીજનું ૭૫ ટકા કામ તો માત્ર એક સપ્તાહમાં પૂર્ણ કરી દેવાયું હતું. આ બ્રીજ માત્ર ગુજરાતમાં જ નહીં ભારતના સૌથી ઝડપથી પૂર્ણ થયેલા નિર્માણનું ગૌરવ લઈ શકે છે.
વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના ચીફ જનરલ મેનેજર શ્યામસિંહે કહ્યું હતું કે, ગુજરાતના વલસાડમાં બની રહેલા ઓવરબ્રીજનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. અમે આ બ્રીજને ૨૦ દિવસમાં લોકાર્પણ અર્થે રજૂ કરી શકીશું. આ બ્રીજનું કામ ૨જી જૂને શરૂ કરવામાં આવ્યું હતું અને તે ૨૨મી જૂને પૂર્ણ થઈ રહ્યો છે. બ્રીજનો આ પ્રોજેક્ટ સાડા ચાર કરોડ રૂપિયાનો છે.
વલસાડ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ ઓવરબ્રીજને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગ્યો છે.
જો આ બ્રીજને બનાવવા માટે નોન-સ્ટોપ કામ કરવામાં આવે તો પણ તે કામ ૧૦૦ દિવસમાં પૂર્ણ થાય તેમ હતું પરંતુ બ્રીજના હિસ્સાઓને પહેલેથી અન્યત્ર સ્થળે બનાવીને પછી બ્રીજના ઠેકાણે લવાયા હતા. બ્રીજના ભાગોને જોડવા માટે ચાર હેવી ડ્યુટી હાઈડ્રોલિક ક્રેન લગાવાઈ હતી જેની ક્ષમતા ૩૦૦ અને ૫૦૦ મે.ટનની છે. અલગ અલગ હિસ્સાને જોડીને બ્રીજનું નિર્માણકાર્ય થયું છે.