રાજકોટ-ગાંધીનગર: કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલ કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી હતી તો દિલ્હી અને અન્ય રાજયોમાં આપે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે પટેલ સમાજને કેશુબાપા જેવો આગેવાન મળ્યો નથી એમ કહીં આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવો જોઇએ એવી નેમ વ્યકત કરી હતી.
નરેશ પટેલના આ વિધાનોથી તેમનો રૂખ કયા રાજકીય પક્ષ તરફ રહેશે એ સ્પષ્ટ થઇ ગયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હવે ‘લેઉઆ’ અ્ને ‘કડવા’ એમ નહીં પણ ફકત પાટીદાર જ લખાશે. ગુજરાતમાં આપની એન્ટ્રી અંગે કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજો મોરચો અગાઉ સફળ થયો નથી પરંતુ દિલ્હીમાં અને અન્ય રાજ્યમાં આપ જે રીતે કામ કરી રહી છે તે જોતા તેનું ભવિષ્ય ઊજળું દેખાઇ રહ્યું છે. નરેશ પટેલ સીધી રીતે હજુ સુધી ક્યારેય કોઇપણ ચૂંટણી લડ્યા નથી પરંતુ જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે પાટીદારોનું પ્રભુત્વ વધે તેવી સંગઠનની તાકાત બતાવી છે. ૨૦૧૨માં ખોડલધામની શિલાપૂજન વિધિ, ૨૦૧૭માં હાર્દિક સાથે બેઠક અને હવે ફરી બેઠક કરી પ્રભુત્વ દર્શાવવા પ્રયાસ કર્યો છે. તેમાં નરેશ પટેલની દર વખતે મુખ્ય ભૂમિકા રહી છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ ફરીથી તેમની નિષ્ક્રિયતા પણ જાણીતી છે.