નવી દિલ્હી: બનાવટી ચીની એપ મારફત માત્ર ૨૦થી ૨૫ દિવસમાં રૂપિયા બમણા કરવાની લાલચ આપીને કેટલાક આંતરરાષ્ટ્રીય ઠગોએ લાખો ભારતીયોને લૂંટી લીધા છે. ઓછા સમયમાં વધુ નાણાં કમાવાની લાલચમાં આવીને લોકોએ આ એપ મારફત રૂ. ૩૦૦થી લઈને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર કૌભાંડ તો એક જ છે, પરંતુ તેના મોડ્યુલ અલગ અલગ છે. આ છેતરપિંડી પાછળ ચીની નાગરિકો છે, જે પોતાના દેશમાં બેસીને સંપૂર્ણ નેટવર્ક ચલાવી રહ્યા છે. તેમણે ભારતમાં સ્થાનિકો પાસે બનાવટી કંપનીઓ ખોલાવડાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ સંદર્ભમાં ઉત્તરાખંડ અને દિલ્હીમાં તપાસ ચાલી રહી છે.
ઉત્તરાખંડ એસટીએફની તપાસમાં ઓછા સમયમાં વધુ રૂપિયાની લાલચ આપીને લાખો લોકો સાથે ૫૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સાઈબર છેતરપિંડીમાં તપાસ કરી રહેલી ઉત્તરાખંડની સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું માનવું છે કે છેતરપિંડીની રકમ રૂ.૧,૦૦૦ કરોડથી વધુ પણ હોઈ શકે છે. આ છેતરપિંડી કરનારી ગેંગના તાર ચીન અને થાઈલેન્ડ સહિત કેટલાક અન્ય દેશો સાથે સંકળાયેલા હોવાથી ગુપ્તચર એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે. અત્યાર સુધીની તપાસમાં કુલ ૫૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી બહાર આવી છે. દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ એપ મારફત લોકોની સાથે છેતરપિંડી કરાઈ હોવાની આશંકા છે. બેંગ્લુરુની પોલીસે જણાવ્યું છે કે તેણે આવા કિસ્સાઓમાં પકડેલા છ આરોપીઓ અલગ અલગ કંપનીના નિર્દેશક છે. તેમાંથી કેટલાક નિદેશક ઉત્તરાખંડના નિવાસીઓ પાસેથી થયેલી છેતરપિંડીમાં સામેલ હોવાનું જણાવાય છે.
અત્યાર સુધીમાં મળેલી ૨૫ ફરિયાદોની તપાસમાં ત્રણ કેસ નોંધાયા છે. ચીની નાગરિકોએ ટેલિગ્રામ, ડિંગટોક અને વીચેટ જેવી એનક્રિપ્ટેડ મોબાઈલ એપ મારફત લોકોનો સંપર્ક કર્યો હતો. સાઈબર સેલે તિબેટિયન મહિલા સહિત ૧૧ આરોપીઓની ધરપકડ પહેલા જ બેન્ક ખાતામાં જમા ૧૧ કરોડ રૂપિયા ગેટવેના માધ્યમથી સીઝ કરી દીધા હતા અને સીએ અવિક કેડિયા પાસેથી રૂ. ૯૭ લાખ રીકવર કરવામાં આવ્યા છે.