લદ્દાખ પાસે ચીન-પાક.ની વાયુસેના દ્વારા સંયુક્ત યુદ્ધ કવાયતથી ભારત ચિંતિત

Wednesday 16th June 2021 07:22 EDT
 

નવીદિલ્હીઃ પાકિસ્તાની વાયુસેના ચીન સાથે તિબેટમાં સંયુક્ત યુદ્ધ કવાયતમાં ભાગ લઇ રહી છે. પહેલેથી વિવાદિત પ્રદેશમાં બે શત્રુ દેશો દ્વારા યુદ્ધ કવાયત થતાં ભારતની ચિંતા વધી રહી છે. લદ્દાખને સ્પર્શીને આવેલો તિબેટનો વિસ્તાર પહેલથી વિવાદોના કેન્દ્રમાં છે. તેવામાં ચીન અને પાકિસ્તાન દ્વારા થઇ રહેલી સંયુક્ત કવાયત પર ભારત બાજ નજર રાખી રહ્યું છે. આ યુદ્ધ કવાયતમાં ચીની વાયુસેના અને પાકિસ્તાની વાયુસેનાના સંખ્યાબંધ લડાયક વિમાનો ભાગ લઇ રહ્યાં છે.
લદ્દાખ સરહદ નજીક આવેલા તિબેટમાં બે શત્રુ દેશોની વાયુસેનાની સક્રિયતા ભારત માટે મુશ્કેલી વધારનારી વાત છે. આ કારણસર જ ભારતીય ભૂમિસેના અને વાયુસેનાએ તાત્કાલિક ચીનને સ્પર્શતી સરહદે સતર્કતા વધારી દીધી છે. લદ્દાખની સરહદ નજીકના વિસ્તારમાં હાલમાં ખાસ સાવધાની રખાઇ રહી છે. ભારતના રડાર, લડાયક વિમાનો અને અવાક્સ ચોવીસે કલાક સરહદે નજર રાખી રહ્યાં છે. ચીન અને પાકિસ્તાનની વાયુસેના સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરીને પોતાના લડાયક વિમાનોમાંથી મિસાઇલ મારો કરીને લક્ષ્ય ભેદવાની કવાયત કરી રહ્યાં છે.
તિબેટમાં પાકિસ્તાની લડાયક વિમાનોની હાજરી ચોંકાવનારી છે. હકીકતે કોઇ એક દેશનાં લડાયક વિમાનો બીજા દેશ સાથે યુદ્ધ અભ્યાસ કરતી વખતે તેવા વિસ્તારમાં ઉડાન નથી ભરતા કે જે વિસ્તાર વિવાદિત હોય. તિબેટના અનેક વિસ્તારોને મુદ્દે ભારત અને ચીન વચ્ચે વિવાદ પ્રવર્તી રહ્યો છે. તેમ છતાં પાકિસ્તાન તે વિવાદિત વિસ્તારોમાં યુદ્ધ કવાયત કરી રહ્યું છે. આ બાબત ચોંકાવનારી છે.


comments powered by Disqus