• સુરતમાં વેક્સિન બાદ વૃદ્ધાના શરીર પર ચમચી, સિક્કા ચોંટયાં: વેક્સિનના ડોઝ લીધા બાદ અનેક લોકોના શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ શરીર પર ચમચી, સિક્કા, નાના વાસણ ચોંટી જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઉપરાંત મૂળી તાલુકાના દુધઈ ગામના અનકભાઈએ પોતાના શરીર ઉપર અખતરો કરતા સિક્કા શરીરે ચોંટવા લાગ્યા હતા. ત્યારબાદ તાળાંની ચાવી મોબાઈલ અને બાકસ સહિતની અલગ-અલગ વસ્તુઓ પણ શરીરે અડાડતા ચોંટી જતી હતી.
• રૂપાણી સરકારના ત્રીજા વિસ્તરણની તૈયારીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે માંડ ૧૫ મહિના રહ્યા છે. ૧૫મી વિધાનસભામાં મજબૂત બહુમતી સાથે ભાજપને સત્તામાં પરત લાવવા રૂપાણી સરકારમાં ત્રીજા વિસ્તરણની અટકળો શરૂ થઈ છે. જેમાં ચાર મંત્રીઓને પડતા મુકવા અને રાજ્યકક્ષામાંથી એક મંત્રીને કેબિનેટમાં પ્રમોશન આપવાની તૈયારીઓ સાથે નવા ત્રણેક ધારાસભ્યોને સમાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
• રાજ્યમાં મંદિરો ખુલતાં જ ભક્તોની આતુરતાનો અંતઃ ગુજરાત ભરના ધાર્મિક સ્થળો કોરોનાની મહામારીને ધ્યાને લઈને દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા ખરા ધાર્મિક સ્થળો ખુલતા ભક્તોએ કોરોનાની મહામારીમાંથી મુક્તિની પ્રાર્થના કરી હતી. ઉત્તર ગુજરાતના ધાર્મિક સ્થાનો બહુચરાજી, શામળાજી, ઊંઝામાં મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. સોમનાથ મંદિરના દ્વાર ખુલતા દુર-દુરથી શિવભક્તો ઉમટ્યા હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ચામુંડા માતાજી મંદિર, વિરપુર જલારામ મંદિર, જૂનાગઢના ભવનાથ સહિતના મંદિરો, દ્વારકાધીશનું જગત મંદિર. કચ્છના કુલદેવી આઈશ્રી આશાપુરા માતાનો મઢના દ્વાર ખુલ્યા છે.
• હવે હાર્દિક પટેલ કોંગ્રેસ હાઇકમાન્ડના રડારમાંઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તથા વિરોધ પક્ષના નેતાની પસંદગીને લઈને ચાલી રહેલી ગડમથલ દરમિયાન કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દિલ્હી મુલાકાત કરી આવ્યા હતા.
હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી એમ બન્નેની નજીક છે, તેથી તેને મોટી જવાબદારી મળી શકે છે. હાર્દિકને ગુજરાતમાં મહત્ત્વનો હોદ્દો અથવા કેન્દ્રીય કમિટીમાં મોટું સ્થાન મળી શકે છે. જયારે ભરતસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા માટે જોર લગાવ્યું છે અને એટલે જ તેઓ આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હી ગયા હતા, પરંતુ જાણવા મળ્યા મુજબ તેઓ ગાંધી પરિવારમાંથી કોઇને મળી શક્યા ન હતા.
• વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન બની આફતઃ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. WHOની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જુલાઈમાં અભ્યાસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશોની કોલેજોમાં લાખોની ફી ભરી દીધી છે. હવે વેક્સિનને કારણે જો તેઓ અભ્યાસ માટે વિદેશ નહીં જઈ શકે તો ફીની રકમનો કોઇ મતલબ નહીં રહે એવો ડર સતાવી રહ્યો છે.
• તૌકતેથી થયેલા નુકસાન સામે કેન્દ્ર પાસે રૂ.૯૮૩૬ કરોડની માગઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે થયેલી પારાવાર તારાજી અને નુકસાન સામે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે રૂ. ૯૮૩૬ કરોડની સહાયની માગણી કરી છે.
• ગુજરાતના વિદ્યાર્થીઓ રૂ. ૨ લાખનું વન-વે એરફેર ચૂકવી કેનેડા પહોંચે છેઃ કોરોના મહામારીને પગલે કેનેડાએ ભારત સાથેની ફ્લાઇટ પરનો પ્રતિબંધ ૨૧ જૂન સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધને પગલે અભ્યાસ માટે કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓ અટવાઇ પડયા છે. ભારત સાથેની આ ફ્લાઇટ પરનો પ્રતિબંધ ક્યારે હટાવાશે તેને લઇને અનિશ્ચિતતા છે ત્યારે ગુજરાતમાંથી અનેક વિદ્યાર્થીઓ રૂ. ૨ લાખ કરતાં પણ વધુ વન-વે એરફેર ચૂકવીને કેનેડા પહોંચી રહ્યા છે. કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. કેટલાક વિદ્યાર્થીઓ વાયા યુરોપ થઇને મેક્સિકો બાદ કેનેડા પહોંચે છે.