૨૦૧૯-૨૦માં ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને સૌથી વધુ રૂ.૨૭૬ કરોડનું દાન

Wednesday 16th June 2021 07:31 EDT
 
 

નવીદિલ્હી: કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતાદળ, ડાબેરી પાર્ટીઓ સહિતની બે ડઝનથી વધુ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓએ ચૂંટણી પંચ સમક્ષ વર્ષ ૨૦૧૯-૨૦ માટેના વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરાવ્યા છે. જોકે, હાલ દેશમાં કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોમાં સત્તાધારી એવા ભાજપનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ ઉપલબ્ધ નથી. ચૂંટણી પંચે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસ અને બસપાએ ફેબ્રુઆરી ૨૦૨૧માં જ તેમના ઓડિટ રિપોર્ટ જમા કરાવી દીધા હતા.
ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ કેન્દ્રમાં સત્તાધારી ભાજપને વર્ષ ૨૦૧૯-૨૦માં ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ રૂપિયા ૨૭૬ કરોડનું ફંડિંગ પ્રાપ્ત થયું જે તમામ રાજકીય પાર્ટીઓને ઇલોક્ટોરલ ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થયેલા ભંડોળના ૮૦ ટકા હિસ્સો છે. બીજી તરફ મુખ્ય વિરોધપક્ષ અને દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને વર્ષ ૨૦૧૯-૨૦માં રૂપિયા ૬૮૨ કરોડનું કુલ ભંડોળ પ્રાપ્ત થયું જે તેના અગાઉના વર્ષમાં મળેવા ૯૧૮ કરોડ કરતાં ૨૫ ટકા ઓછું છે. તેમ છતાં કોંગ્રેસનો આ વર્ષમાં ખર્ચ બમણો થઈને રૂપિયા ૯૯૮ કરોડ પર પહોંચી ગયો હતો. કોંગ્રેસે વર્ષ ૨૦૧૯-૨૦માં ચૂંટણીઓમાં રૂપિયા ૮૬૪ કરોડનો ખર્ચ કર્યો હતો. વર્ષ ૨૦૧૮-૧૯માં કોંગ્રેસે રૂપિયા ૪૭૦ કરોડનો ખર્ચ બતાવ્યો હતો.
વર્ષ ૨૦૧૯-૨૦માં અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓમાં સીપીએમની કુલ આવક રૂપિયા ૧૫૯ કરોડ અને સીપીઆઇની રૂપિયા ૬.૫૮ કરોડ રહી હતી. સીપીએમે આ વર્ષમાં રૂપિયા ૧૦૫.૬૮ કરોડ અને સીપીઆઇએ રૂપિયા ૬.૫૩ કરોડનો ખર્ચ કર્યો હતો.
વર્ષ ૨૦૧૯-૨૦ માટેનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરનારી ૩૫ પ્રાદેશિક પાર્ટીઓ મધ્યે ટીઆરએસને સૌથી વધુ રૂપિયા ૧૩૦.૪૬ કરોડ, શિવસેનાને રૂપિયા ૧૧૧.૪ કરોડ, વાયએસઆરસીપીને રૂપિયા ૯૨.૭ કરોડ, બીજેડીને રૂપિયા ૯૦.૩૫ કરોડ, એઆઇએડીએમકેને રૂપિયા ૮૯.૬ કરોડ, ડીએમકેને રૂપિયા ૬૪.૯૦ કરોડ અને આમ આદમી પાર્ટીને રૂપિયા ૪૯.૬૫ કરોડના ભંડોળ પ્રાપ્ત થયાં હતાં.


comments powered by Disqus