અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડો થતાં જનજીવન હવે પૂર્વવત્ ધબકવા લાગ્યું છે. એર ટ્રાફિક પણ વધ્યો છે. અમદાવાદના એરપોર્ટ ખાતેથી જુલાઇ મહિનામાં ૩,૩૨,૮૮૮ જ્યારે ઓગસ્ટ મહિનામાં ૪,૧૬,૯૩૭ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, એરપોર્ટથી એક જ મહિનામાં એર ટ્રાફિકમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ-૨૦ની સરખામણીએ ઓગસ્ટ-૨૧માં ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરમાં ૧૨૫ ટકા વધી ગઇ છે. ઓગસ્ટ ૨૦૨૦માં ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર ૧,૮૪,૮૦૮ નોંધાઇ હતી.
એરપોર્ટ ખાતે જુલાઇમાં ૩૩૬૪ ફ્લાઇટની અવર-જવર હતી. આમ, પ્રતિ ફ્લાઇટમાં સરેરાશ ૯૯ મુસાફરો હતો. જેની સરખામણીએ ઓગસ્ટમાં ફ્લાઇટની અવર-જવર ૩૮૭૭ નોંધાઇ છે. ઓગસ્ટમાં પ્રતિ ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા વધીને ૧૦૮ થઇ છે. ઓગસ્ટ ૨૦૨૦ દરમિયાન એરપોર્ટ ખાતેથી દરરોજ સરેરાશ ૫૯૬૨ મુસાફરો અવર-જવર કરતા હતા. જેની સરખામણીએ ઓગસ્ટ-૨૧માં મુસાફરોની દૈનિક અવર-જવરનું પ્રમાણ વધીને ૧૩૪૫૦ થઇ ગયું છે.