ચાંગા: અમેરિકા સ્થિત મોટોરોલા સોલ્યુશન્સ કંપની ગુજરાતમાં સૌપ્રથમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરની ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) માં સ્થાપના કરશે. ૭ સપ્ટેમ્બરે ચારુસેટ કેમ્પસમાં યોજાયેલા સમારંભમાં ચારુસેટ-મોટોરોલા સોલ્યુશન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ચારુસેટ અને મોટોરોલા વચ્ચે સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
MOU પર હસ્તાક્ષર કરવા મોટોરોલા સોલ્યુશન્સ, ટેક્સાસ USAના યુનિફાઇડ કોમ્યુનિકેશન્સના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ (કિશન) પટેલના નેતૃત્વ હેઠળ મોટોરોલા સોલ્યુશન્સ કંપનીના ઉચ્ચસ્તરીય ડેલિગેશન ચારુસેટની મુલાકાતે આવ્યું હતું. ડેલિગેશનમાં ગોરા કુન્ડુ, હાર્દિક કોઠારી, વસંત રાવ, પવન મલ્લાડી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે NRG ક્રિસ પટેલ મૂળ ચરોતરના વતની છે, અને સમાજને પરત આપવાની ઉમદા ભાવના અને વતનપ્રેમ દર્શાવવા ચારુસેટમાં આ સેન્ટર શરૂ કરશે. ક્રિસ પટેલ KODIAKના સ્થાપક ડિરેક્ટર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે જે કંપની હવે મોટોરોલાનો ભાગ છે.
ક્રિસ પટેલે અમેરિકામાં મેટ્રોપોલિટન વોટર રિક્લેમેશન ડિસ્ટ્રિક્ટ ઓફ ગ્રેટર શિકાગોના સિનિયર એન્જિનિયર અને ચારુસેટ સાથે વર્ષોથી સંકળાયેલા સંજય પટેલ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી. સંજય પટેલે ક્રિસ પટેલને ચારુસેટ વિશે માહિતગાર કર્યા હતા અને ચારુસેટમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ટાઈઅપ કરવા આમંત્રણ આપ્યું હતું. એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ સી.એ. પટેલ - અશોક પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડો. એમ. સી.પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, વિપુલ પટેલ, ગિરીશ સી. પટેલ વગેરે ઉપસ્થિત હતા.
આ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરમાં ૩ કોન્ફરન્સ રૂમ, સ્પેશિયલાઇઝડ મોબાઈલ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાશે. મોટોરોલા ચારુસેટ વિદ્યાર્થીઓની પોતાની કંપનીમાં નિમણુક કરશે. મોટોરોલા ચારૂસેટને પોતાની કુશળતા, નિષ્ણાતો, કલાઉડ ડેટા સેન્ટર-સોફ્ટવેર અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરશે જયારે ચારુસેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક, હાર્ડવેર, વિદ્યાર્થીઓનો કૌશલ્ય બળ પૂરું પાડશે.