અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોને રાહત આપતો મહત્ત્વનો નિર્ણય લઇને આગામી નવરાત્રિના તહેવારો દરમિયાન શેરી ગરબા, સોસાયટી, ફ્લેટમાં યોજાતા ગરબાને મંજૂરી આપી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે અન્ય કોઇપણ ખુલ્લી જગ્યામાં કોમર્શિયલ ગરબા આયોજનને મંજૂરી અપાશે નહીં. નવરાત્રિને ધ્યાનમાં રાખીને ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં પણ એક કલાકનો સમય ઘટાડાયો છે. સરકારે આ ઉજવણીઓમાં સામેલ થનારા લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવી અપેક્ષા રાખી છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બોલાવેલી બેઠકમાં નવરાત્રિના આયોજનને લઇને આ નિર્ણયો કર્યા છે. માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટમાં માતાજીની આરતી અને ગરબાનું આયોજન થઇ શકશે જ્યારે આ સમય દરમિયાન આવતા અન્ય તહેવારો જેવા કે દુર્ગાપૂજા, વિજયાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા સહિતના આયોજનોને પણ મંજૂરી આપવામાં આવી છે જોકે, આ ઉત્સવોમાં વધુમાં વધુ ૪૦૦ વ્યક્તિઓની ઉપસ્થિતિ રહી શકશે. ઉજવણી દરમિયાન લાઉડ સ્પીકર માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. નવરાત્રિ ઉપરાંત લગ્ન પ્રસંગના આયોજનોમાં પણ સરકારે રાહત આપી છે. લગ્ન પ્રસંગે અત્યાર સુધી માત્ર ૧૫૦ વ્યક્તિઓને એકત્ર થવાની છુટ હતી. જેમાં વધારો કરીને ૪૦૦ વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. અંતિમક્રિયા- દફનવિધિમાં અગાઉથી ૪૦ વ્યકિતઓની મર્યાદા હતી. જેમાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે.
સરકારે ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપી છે. આ ૮ શહેરોમાં શનિવાર તા. ૨૫ થી ૧૦ ઓક્ટોબર સુધી રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.