અમદાવાદઃ વર્ષ ૨૦૨૦માં કોરોના વાઇરસે કેર વર્તાવતાં મોટાભાગના તમામ ક્ષેત્રોને ફટકો પડ્યો હતો અને તેમાં પ્રવાસનનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે ઘરઆંગણાના ૧.૯૪ કરોડ પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા. આમ, અગાઉના વર્ષોની સરખામણીએ ગુજરાતમાં આવતાં ઘરઆંગણાના પ્રવાસીઓમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
દર વર્ષે ૨૭ સપ્ટેમ્બરની ઉજવણી ‘વર્લ્ડ ટુરિઝમ ડે’ તરીકે કરવામાં આવે છે. કોરોનાએ પગપેસારો કર્યો નહોતો તે અગાઉ પણ ઉત્તર પ્રદેશ – મહારાષ્ટ્ર – કેરળ – કર્ણાટક – મધ્યપ્રદેશ – તમિલનાડુ - પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાત આવતા ડોમેસ્ટિક પ્રવાસીઓનું પ્રમાણ સાધારણ રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં ઉત્તર પ્રદેશ આવેલા પ્રવાસીઓ ૫૩.૫૮ કરોડ, તામિલનાડુ આવેલા પ્રવાસીઓ ૪૯.૪૮ લાખ, મહારાષ્ટ્ર આવેલા પ્રવાસીઓ ૧૪.૯૨ કરોડ, મધ્ય પ્રદેશ આવેલા પ્રવાસીઓ ૮.૮૭ કરોડ હતા જ્યારે ગુજરાતમાં ૫.૮૮ કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. આ અંગે પ્રવાસ સાથે સંકળાયેલા જાણકારોએ જણાવ્યું કે, કોઈપણ રાજ્ય પ્રવાસમાં હબ બને તેના માટે દરિયાકિનારો, હિલ સ્ટેશન, એડવેન્ચર સ્પોટ, ઐતિહાસિક સ્થળ, ધાર્મિક સ્થાનો જેવી બાબતો જોઈએ. ગુજરાત પાસે આ બધું જ છે તેમ છતાં ફરવા માટે આવતા પ્રવાસીઓનું પ્રમાણ અન્ય કેટલાક રાજ્યોની સરખામણીએ સાધારણ છે.