અમદાવાદ: ચીનના શાંઘાઈ પોર્ટ પરથી વાયા કંડલા પોર્ટ પાકિસ્તાન મોકલવા માટેના એક કન્સાઈન્મેન્ટની કસ્ટમ્સ વિભાગે ચકાસણી કરતા તેમાં મિસાઈલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે રૂ. ૧૦ કરોડના ઈક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે આખો કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો અને તેણે અજાણ્યા શખ્સો સામે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એન્ડ ધેર ડિલિવરી સિસ્ટમ (પ્રોહિબિશન ઓફ અનલોફુલ એક્ટિવિટિઝ) એક્ટ હેઠળ ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શાંઘાઈથી કંડલા બંદર થઈને પાકિસ્તાન જઈ જવાતી સોલીડ રોકેટ મોટર ફેબ્રીકેશન મિસાઈલ ૪થી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પકડાઈ હતી. આ દેશની સુરક્ષાનો મુદ્દો જોડાયેલો હોય કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપવામાં આવી હતી. જેના પગલે એનઆઈએ દ્વારા અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ કંડલા બંદર ઉપર એમવીડીએ કુઈ યુન વેસલમાંથી ઓટો કેસિંગ હીટ ટ્રીટમેન્ટ ઈક્વિપમેન્ટ કન્સાઈમેન્ટ ચીનના શાંઘાઈ બંદરથી આવ્યુ હતુ અને પાકિસ્તાન જવાનું હતુ.
કસ્ટમ વિભાગને આ કન્સાઈમેન્ટ અંગે શંકા જતા તેને રોકયુ હતુ. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, એમવીડીએ કુઈ યુન વેસલમાંથી ઓટો કેસિંગ હીટ ટ્રીટમેન્ટ ઈક્વિપમેન્ટ મિસાઈલ બનાવવા માટે વાપરવામાં આવે છે.
