જીજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર વિધિવત્ કોંગ્રેસ સાથે જોડાયા

Tuesday 28th September 2021 16:20 EDT
 
 

નવી દિલ્હીઃ CPI છોડીને કનૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ૨૮ સપ્ટેમ્બરે રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલે તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના દલિત કાર્યકર્તા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાવવાના હતા પરંતુ ટેકનિકલ કારણોથી તેઓએ હાલ પાર્ટીનું સભ્યપદ ન લઈ શક્યા. આ અંગે તેઓએ કહ્યું કે તેઓ હાલ માત્ર વૈચારિક રીતે પાર્ટી સાથે જોડાય ગયા છે. આગામી ગુજરાતની ચૂંટણી કોંગ્રેસના ચિન્હ સાથે જ લડવાની જિજ્ઞેશ મેવાણીએ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યાં. માનવામાં આવે છે કે અનેક રાજ્યોમાં બળવાખોરથી પરેશાન કોંગ્રેસ હવે યુવાનો પર વિશ્વાસ રાખી રહી છે.
કનૈયાએ કહ્યું કે હું કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યું છું, કેમકે આ માત્ર એક પાર્ટી નથી, એક વિચાર છે. આ દેશની સૌથી જૂની લોકતાંત્રિક પાર્ટી છે. હું લોકતાંત્રિક પર જોર આપી રહ્યો છું... માત્ર હું જ નહીં અનેક લોકો વિચારે છે કે દેશ કોંગ્રેસ વગર ન રહી શકે.

રાહુલની નજીકના છોડી રહ્યા છે કોંગ્રેસ

હકીકતમાં તાજેતરમાં જ કોંગ્રેસમાં યુવા નેતાઓ વિશે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એક પછી એક ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી અને ભાજપ અથવા અન્ય પક્ષોનો છેડો પકડી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, અશોક તંવર, પ્રિયંકા ચતુર્વેદી, લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી. આ તમામ નામો રાહુલ ગાંધીના સૌથી નજીકના સહયોગીઓમાં ગણાતાં હતાં. યુપીએ સરકાર દરમિયાન તમામ લોકો હોદ્દા પર પણ રહ્યા હતા. રાહુલની આ યુવા બ્રિગેડને કોંગ્રેસનો ભાવિ ચહેરો માનવામાં આવતો હતો. આ પછી પણ કોંગ્રેસ તેમને પાર્ટીમાંથી બહાર થતાં અટકાવી શકી નથી.

સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાયા

કોંગ્રેસમાં એક પછી એક ઘણા યુવા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગુલામ નબી આઝાદ સહિત ઘણા સિનિયર નેતાઓ પાર્ટીમાં સાઈડ લાઈન છે. એવું મનાય છે કે યુવા નેતાઓની વિદાયથી સર્જાયેલા શૂન્યાવકાશને ભરવા માટે કોંગ્રેસ કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણીની એન્ટ્રી કરાવી રહી છે. બંને નેતાઓ યુવાન છે, તેઓ આંદોલનમાંથી ઊભરી આવ્યા છે અને યુવાનોમાં તેમની પણ સારી પકડ પણ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ કન્હૈયા, જિજ્ઞેશ અને હાર્દિક જેવા નેતાઓની 'આઉટસોર્સિંગ' દ્વારા યુવાનોની પાર્ટી ના હોવાનો ધબ્બો દૂર કરવા માગે છે.


comments powered by Disqus