ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. તત્કાલિન મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામાની માગ સાથે પક્ષના મોવડીમંડળ સામે બંડ પોકારનાર નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું ધાર્યું કરાવ્યા બાદ હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે તેણે આ જાહેરાત કરવાની સાથે સાથે જોકે એવી સ્પષ્ટતા પણ કરી છે કે તે પક્ષમાં જ રહીને કામ કરતા રહેશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છેઃ વ્યક્તિના અંતકરણનું પતન સમાધાન કરવાથી થતું હોય છે. પંજાબના ભવિષ્ય અને પંજાબના લોકોના કલ્યાણના એજન્ડા પર હું ક્યારેય સમાધાન ના કરી શકું. આથી પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષપદેથી હું રાજીનામું આપું છું. હું કોંગ્રેસની સેવા કરતો રહીશ.
આ પહેલાં પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું હતું કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને મુખ્ય મંત્રી ચરણજિત સિંહ ચન્નીની સરકારના નેતૃત્વમાં લડવામાં આવશે.
પંજાબ કોંગ્રેસમાં ઊથલપાથલ
પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહી રહ્યું છે. આ પહેલાં કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. એ વખતે સિદ્ધુએ પક્ષમાં બળવો કર્યો હતો. કેપ્ટનના રાજીનામા બાદ ચરણજિત સિંહ ચન્નીને રાજ્યના નવા મુખ્ય મંત્રી બનાવાયા હતા. હવે સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા જે બાદ એવી વાતો વહેતી થઈ હતી કે સિદ્ધુ મુખ્ય મંત્રી બનવા ઇચ્છતા હતા.
તાજેતરમાં જ પંજાબમાં ચરણજિત સિંહ ચન્નીની સરકારમાં નવી કેબિનેટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી અમરિન્દર સરકારના કેટલાક જુના મંત્રીઓની બાદબાકી કરી દેવામાં આવી હતી.
કેપ્ટનની કેબિનેટમાં સ્વાસ્થ્યમંત્રી રહી ચુકેલા બલબીરસિંહ સિદ્ધુ પણ એવા નેતાઓમાં સામેલ છે, જેમને ફરી મંત્રીપદ નથી મળ્યું. મંત્રી પદેથી હટાવાતાં બલબીર સિદ્ધુ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં રડવા લાગ્યા હતા. એ દૃશ્યો પણ ચર્ચાનો વિષય બન્યાં હતાં.