ભાવનગર: રાજ્યના પ્રધાન મંડળમાં ફેરફાર બાદ એકાએક રાજ્યના પૂર્વ પ્રધાન અને કોળી સમાજના નેતા પરસોતમ સોલંકીના નિવાસે કોળી સેનાના હોદેદારોની વરણી અર્થે બેઠક યોજાતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. બેઠકમાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પણ કોળી આગેવાનોની હાજરી જોવા મળી હતી.જો કે, બેઠક બિનરાજકીય હોવાનો આયોજકોએ દાવો કર્યો હતો.
તાજેતરમાં થયેલાં પ્રધાનમંડળના ફેરફારમાં રાજ્યના મત્સ્યઉદ્યોગ પ્રધાન, કોળી સમાજના નેતા અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોતમ સોલંકીને રિપિટ કરવામાં ન આવતાં કોળી સમાજમાં નારાજગી ફેલાઈ હતી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કોળી સમાજના નેતાઓ અને આગેવાનો ગાંધીનગર પણ દોડી ગયા હતા.જો કે,પૂર્વ પ્રધાને રાજ્ય સરકારના નિર્ણયને સ્વિકારી કોળી સમાજ નારાજ હોવાની વહેતી થયેલી અટકળોને છેદ ઉડાડી દીધો હતો.
પ્રધાનમંડળમાં ફેરાફારના અંદાજે બે સપ્તાહ બાદ આજે શહેરના તળાજા રોડ સ્થિત ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કોળી સેનાના સ્થાપક પરસોતમ સોલંકીના નિવાસે આજે કોળી સેનાની બેઠક મળી હતી.જેમાં ભાવનગરના વિવિધ તાલુકા ઉપરાંત, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં કોળી સેનાના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
કોળી સેનાના હોદ્દેદારોની વરણી માટે અને સમાજલક્ષી આગામી બિનરાજકીય કાર્યક્રમો નક્કી કરવા આજે બેઠક મળી હતી. બેઠકમાં રાજકીય ચર્ચા કે અન્ય કોઈ નીતિ વિષયક ચર્ચા થઈ ન હતી.