નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવતા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને તાલિબાનોએ ભારતમાં નાર્કો આતંકવાદ ફેલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાર્કો આતંકવાદના ભાગરૂપે એકબાજુ ગુજરાતના બંદરેથી ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યનું ડ્રગ્સ પકડાયું છે ત્યારે બીજીબાજુ ગુપ્તચર એજન્સીએ પાંચ અફઘાન આતંકીઓ ભારતમાં ઘૂસી આવ્યાની એલર્ટ જાહેર કરી છે. મોટા મિલિટ્રી કેમ્પ અને સરકારી સંસ્થાનો તેમના નિશાના પર છે. દરમિયાન આઈએસઆઈ ભારતમાં આઈઈડી મારફત મોટો આતંકી હુમલો કરાવવાની ફિરાકમાં છે. આ અંગે પણ એલર્ટ જાહેર કરાઈ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ હજુ સંપૂર્ણપણે કબજો પણ નથી મેળવ્યો ત્યાં ભારતમાં નાર્કો આતંકવાદની અસર દેખાવા લાગી છે. ગુપ્તચર એજન્સીઓએ તાલિબાનનું શાસન સ્થિર થયા પછી પહેલી વખત એલર્ટ જાહેર કરીને પાંચ અફઘાન આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાની ચેતવણી આપી છે.