મહેસાણાઃ જિલ્લામાં વિદેશ અભ્યાસ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૪૨૬ જેટલી અરજીઓ અરજદારોએ કરી હતી. જેમાં ૩૩૪ ને આ યોજનાનો લાભ મળ્યો હતો. ત્યારે છેલ્લા બે વર્ષમાં વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની અરજીઓમાં ૭૦ થી લઈને ૨૦૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
ધોરણ ૧૦ માં ૬૦ ટકા ઉપર માર્ક હોય તો ૪ ટકાના વ્યાજે ૧૫ લાખ જેટલી સહાય ચુકવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં વિદેશ અભ્યાસ યોજનાની ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થતાની સાથે ૭૦થી ૨૦૦ ટકા અરજદારો વધ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ અરજીઓનો નિકાલ કરાયો નથી. વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ યોજના ચાલી રહી છે. જેમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ જેવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦માં ૬૦ ટકા ઉપર માર્ક હોય તો ૪ ટકાના વ્યાજે ૧૫ લાખ જેટલી સહાય ચુકવવામાં આવે છે. જેમાં મહેસાણા જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ માં ૩૫ જેટલી ઓફલાઇન અરજી મળી હતી.