ગાંધીનગરઃ અમરેલીના સાંસદે નારણ કાછડિયાએ ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને લઇને કરેલી નિવેદનો અને તેમાં સૌરાષ્ટ્રની સૌની યોજના અટકાવી રાખી જેવા આક્ષેપોને જવાબ પટેલે રડતી આંખે આપ્યો હતો. તેમણે કહ્યું કે મહેસાણામાં કરેલા નિવેદનો અંગે કાછડિયા ત્રણ દિવસ બાદ કેમ નિવેદનો કરી રહ્યા છે. તે સમજાતું નથી. આ મુદ્દે અમદાવાદમાં માધ્યમો સાથે વાત કરતી વખતે જણાવ્યું કે તેમણે તેમની કારકિર્દીમાં સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રના લોકો સાથે કયારેય અન્યાય કર્યો નથી.
આ જવાબ આપતી વખતે પટેલે કાછડિયાનો સૌની યોજના અંગે ઉઠાવેલા મુદ્દે કહ્યું કે સૌની યોજના સિંચાઇ વિભાગ હેઠળ આવે છે. અને છેલ્લા દસ વર્ષથી તેમની પાસે સિંચાઇ વિભાગ રહ્યો નથી. આ સમયગાળા દરમિયાન સિંચાઇ વિભાગનો હવાલો મહત્તમ સમય માટે સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતાં પ્રધાનો પાસે જ રહ્યો છે. છેલ્લે આ વિભાગ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા તે અગાઉ ભૂતકાળની સરકારના પ્રધાનો નાનુ વાનાણી, બાબુ બોખિરિયા અને પરબત પટેલ પાસે હતો.