રાજકોટઃ શહેરના રેલનગરમાં સાર્વજનિક પ્લોટમાં કોર્પોરેશનની મંજૂરી વગર બંધાયેલા શિવ મંદિરને રાજકોટ મહાનગર પાલિકા ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આથી હિન્દુ ધર્મની આસ્થાને ઠેંસ પહોંચતા કોંગ્રેસની ફરિયાદ સેલ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર ભાવેશ પટેલે ભગવાન શંકરનો વેશ ધારણ કરી રસ્તા પર ચાલીને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આ રીતે વિરોધ દર્શાવવામાં આવતા પોલીસે ભાવેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
શહેરનાં રેલનગર વિસ્તારમાં આસ્થા ચોક ખાતે મનપા દ્વારા ભગવાન શિવનું મંદિર તોડી પાડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેર કોંગ્રેસ ફરિયાદ સેલ દ્વારા આ જ જગ્યા પર ભગવાન શંકરનો વેશ ધારણ કરી હર હર મહાદેવનો નારો લગાવી રસ્તા પર વિરોધ નોંધાવ્યો હતો. જોકે કોંગી કાર્યકર્તાઓ રસ્તા પરથી મંદિરની જગ્યા સુધી પહોંચે એ પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.