રાજ્યભરમાં સર્વત્ર મેઘમલ્હાર

Tuesday 28th September 2021 16:06 EDT
 
 

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ભાદરવાના બીજા રાઉન્ડમાં પણ રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી હતી. ઉત્તર ગુજરાત વિસ્તારના સામાન્ય વરસાદને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ૨૭ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સૌથી વધુ રાજુલામાં સાડા ચાંર ઈંચ વરસાદ વરસ્યો હતો તો ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં ૭ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતુ.
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર અઢી કલાકમાં જ મહેસાણામાં ચાર ઈંચ જ્યારે બહુચરાજી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત ગીર સોમનાથ, જામનગર, હળવદ અને માળિયામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
૨૭ સપ્ટેમ્બરની સવારના ૬ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૧૬૫ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમા અમરેલી, મહેસાણા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લામાં રાજુલામાં ધોધમાર ૪.૫ ઈંચ, ખાંભાના ડેડાણ સહિતના ગામોમાં ૩ ઈંચ, બાબરા, બગસરામાં બે ઈંચ, અમરેલી, લાઠીમાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે, સાંજના છ વાગ્યા સુધીમાં સૌથી વધુ માળીયામાં ત્રણ ઈંચ, કેશોદમાં અઢી ઈંચ, વિસાવદરમાં બે ઈંચ, જૂનાગઢ શહેર, માણાવદરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વાદળો ગોરંભાયેલા હતા જિલ્લામાં સાર્વત્રિક અડધો થી ૭ ઈંચ વરસાદ વરસી ગયો છે.
ડીસામાં વહેલી પરોઢે સાંબેલાધાર ૫ ઇંચ વરસાદ પડી જતાં ચોમેર પાણી જ પાણી થયું હતું. આ ઉપરાંત દાંતીવાડામાં ૨, પોશિનામાં ૨, વિજાપુરમાં ૧.૫ અને ઊંઝામાં ૧.૨૫ ઇંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં કવાંટમાં પણ અનરાધાર વરસાદ ૧૩૨ મિમી એટલે કે ૫.૫ ઇંચથી વધુ વરસાદ ખાબકતા નગરના માર્ગો નદીઓમાં ફેરવાઈ હતી. કવાંટના મધ્યમાંથી પસાર થતી કોતર ફરી બે કાંઠે વહી હતી.


comments powered by Disqus