વડોદરા દુષ્કર્મકેસમાં ભાગેડુ રાજુ ભટ્ટ ઝડપાયોઃ સીએ અશોક જૈન હજી ફરાર

Tuesday 28th September 2021 13:11 EDT
 

વડોદરાઃ રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસ પીડિતાને વિવિધ સ્થળોએ લઈ જઈને પુરાવા એકત્રિત કરી રહી છે તેમજ આરોપી એવા રાજુ ભટ્ટની પણ શોધખોળ કરી રહી હતી. અંતે, રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો છે. હાલ પોલીસ પાવાગઢના ટ્રસ્ટી એવા રાજુ ભટ્ટની પૂછપરછ કરી રહી છે.
દરમિયાન પીડિતાએ ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસે કબજે કર્યાં છે. પોલીસ તપાસ દરમિયાન પીડિતા પોલીસને ગ્રાઉન્ડમાં લઈ ગઈ હતી અને પોતે ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસને સોંપ્યાં હતાં, જેને તપાસ અર્થે FSL મોકલવામાં આવશે. આ ઉપરાંત હેલીગ્રીન ફ્લેટ ખાતેથી પણ પોલીસે છોકરીના વાળ અને કોન્ડમનાં પેકેટ જપ્ત કર્યાં હતાં.
હરિયાણાની ૨૪ વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરાયાની ફરિયાદ બાદ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન ભાગતા ફરતા હતા, જેમાંથી રાજુ ભટ્ટ ઝડપાઈ ગયો છે. ૨૭ સપ્ટેમ્બરે મોડી રાત્રે પોલીસે હોટલ હાર્મનીના માલિક કાનજી અરજણભાઇ મોકરિયાની ધરપકડ કરી હતી.
આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે કચ્છના ગાંધીધામ તરફ ભાગ્યો હતો, જેથી પોલીસની એક ટીમ ગાંધીધામ પહોંચી છે અને રાજુ ભટ્ટના વેવાઇના પુત્ર હર્ષિતને વડોદરા બોલાવી તેની સઘન પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના વેવાઇનો પુત્ર ફરિયાદ નોંધાઈ ત્યારે પણ વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી, જેથી પોલીસે વેવાઇના પુત્રની પૂછપરછ કરી જાણકારી મેળવી હતી.


comments powered by Disqus