ગાંધીનગરઃ મુન્દ્રામાં અદાણી પોર્ટ ખાતે તાજેતરમાં પકડાયેલા રૂ. ૨૧ હજાર કરોડની કિંમતના હેરોઇનના જંગી જથ્થાને મામલે વિધાનસભાગૃહમાં પહેલાં જ દિવસે વટ પાડવા સાથે રોફ જમાવવાની હરકત યુવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને ભારે પડી ગઈ હતી. પ્રધાન પદની ગરિમા ના જાળવી ગલીમાં ભાષણ કરતાં હોય તે ભાષામાં બોલે છે, એવા આક્ષેપો કરી વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોએ એમનો હુરિયો બોલાવ, એમની વિરુદ્ધ સૂત્રો પોકારતાં, પ્રારંભે શૂરાતને ચઢેલા મંત્રીની આક્રમકતા છેવટે ઓસરી ગઈ હતી, અધૂરામાં પૂરું, ભાજપના સિનિયર સભ્યોની ઠપકાભરી નજરથી મંત્રી નરમ ઘેંશ જેવા થઈ ગયા હતા. ગૃહપ્રધાનને વિરોધ પક્ષે ‘ગલી બોય’ કહેતા સરકારની બેઇજ્જતીથી ભાજપના સિનિયરોએ આંખોથી પ્રધાન ઉપર ગુસ્સો ઠાલવ્યો હર્ષ સંઘવીની વર્તણૂક જોઈને સ્પીકરનેય કહેવું પડ્યું હતું કે, પહેલીવાર વિધાનસભામાં બોલતા પ્રધાને ઉશ્કેરાટ દાખવ્યો છે!
પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહરાજ્યપ્રધાનને લગતા પ્રશ્નોની ચર્ચા શરૂ થાય એ પહેલાં જ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વીરજી કુમારે એમના સ્થાને બેઠા બેઠાં જ અદાણી પોર્ટથી પકડાયેલા હેરોઇનના મુદ્દે એવી કોમેન્ટ કરી હતી કે, પકડાયેલું હેરોઇન તો હિમશિલાનું ટોચકું જ છે અને આવું તો કેટલુંય ડ્રગ્સ અદાણીના પોર્ટથી દેશભરમાં પગ કરી ગયું હશે, ડ્રગ માફિયાઓ સાથેના મેળાપીપણાંથી રાજ્ય ‘ઊડતા ગુજરાત’ બની રહ્યું છે. ગૃહરાજ્યપ્રધાને દારૂની પરમિટ અંગેના એજન્ડા ઉપરના સવાલનો જવાબ આપવાને બદલે સણસણતા આક્ષેપો અને એકદમ આક્રમકતાની મોટે ઘાંટે કહ્યું, મુંદ્રામાં એટીએસએ ૭૨ કલાક સુધી જાન જોખમમાં મૂકી ઓપરેશનને પાર પાડી ૭ ઇરાનીઓને ઝબ્બે કરી એમની પાસેથી ૩૦ કિલો હેરોઇન પકડયું છે, એને માટે તંત્રને અભિનંદન આપવાને બદલે આ રીતે ટીકા કરતા તમને શરમ આવવી જોઈએ આવું બોલતા પ્રધાનના આ છેલ્લા શબ્દોને પગલે વિપક્ષી સભ્યો ઊભા થઈ વોકઆઉટ કરી ગયા હતા.