સાંતલપુરઃ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને અજાણી વ્યક્તિ સાથે વાત કરતા જોઈ ગયેલી પડોશીની બાળકીને ઘરમાં લઈ જઈ બીજા કોઈને વાત કરી નથી એની ખાતરી કરવા તેણે તેનો હાથ ગરમ તેલમાં નખાવ્યો હતો. કિશોરીનો હાથ દાઝી જતાં તેને સારવાર માટે ધારપુરની સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યારે કિશોરીના પિતાએ પાડોશી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને તેના ઘરે જ નજરકેદ કરી લીધી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રહેતા લવજીભાઈ કોળીની ૧૧ વર્ષની દીકરી સંગીતા ઘરે એકલી હતી ત્યારે પડોશમાં રહેતી લખીબેન મકવાણા નામની મહિલાએ તેને ધમકાવતાં કહ્યું હતું કે ‘આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કહી છે?’ ત્યારે કિશોરીએ આ વાત કોઈને જણાવી નથી એમ જવાબ આપતાં લખીબેન તેને તેના ઘરમાં લઈ ગઈ હતી અને કહ્યું હતું કે ‘તે જો કોઈને વાત ન કરી હોય તો એની સાબિતી માટે ગરમ તેલમાં હાથ નાખી બતાવ.’
લખીબેને આમ કહેતાં કિશોરીએ હાથ નાખવાની ના પાડતાં મહિલાએ તેને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ડરી ગયેલી કિશોરી ભાગવા જતાં મહિલાએ તેનો હાથ પકડી ચૂલા પર તપેલીમાં ગરમ થઈ રહેલા તેલમાં નાખી દીધો. મહિલાએ તેનો જમણો હાથ કાંડા સુધી નાખતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યાર બાદ મહિલા તેને છોડીને નાસી ગઈ હતી.
બીજી તરફ, કિશોરીની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સાંતલપુરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, જ્યાંથી ધારપુર સિવિલમાં ખસેડવામાં આવી હતી.
