સૌરાષ્ટ્ર તરબતરઃ સૌથી મોટો શેત્રુંજ્ય અને ભાદર-૧ ડેમ ઓવરફ્લો

Tuesday 28th September 2021 12:47 EDT
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૫ દિવસથી અનરાધાર વરસાદના પગલે મોટાભાગના જળાશયો છલકાયા છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજય એક સપ્તાહમાં છ વખત ઓવરફ્લો થયો છે. જ્યારે ભાદર-૧ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત છઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો હતો.
ફરી એકવાર ૩૦ દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી, ન્યારી અને લાલપરી તેમજ ભાદર ૧ ડેમ ઓવરફલો થયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ ગયો છે અને તેના ૧૭ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારે ૨૨ ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.
હાલ ૨૧,૯૮૩ ક્યુસેકના પ્રવાહની આવક
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ તેની નિર્ધારિત સપાટીએ ૧૦૦ ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જળાશયની હાલની સપાટી ૧૦૭.૮૯ મીટરની છે. ડેમમાં હાલ ૨૧,૯૮૩ ક્યુસેકના પ્રવાહની આવક છે, જે છોડવામાં આવશે.
શેત્રુંજય ડેમના ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા
નદીઓમાં ૧૩૫૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગે ૩૦ દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા.


comments powered by Disqus