૧૦૦ વર્ષના ઇતિહાસમાં સપ્ટેમ્બરમાં આ વર્ષે બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ પડ્યો

Tuesday 28th September 2021 16:04 EDT
 

અમદાવાદઃ રાજ્યમાં સરેરાશ ૮૫ ટકા વરસાદ થયો છે. ગત વર્ષે ૨૭ સપ્ટેમ્બર સુધી ૧૩૫ ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે ૫૦ ટકા વરસાદ ઓછો છે. રાજ્યમાં હજૂ પણ ૧૦ ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં ૫૦ ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.
સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ૧૧૦ મી.મી. જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે ૩૪૦ મીમી એટલે કે સરેરાશથી ત્રણ ગણો ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાાની ૧૧૦ વર્ષ (૧૯૦૧-૨૦૧૦) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લા ૧૦૦ વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો
આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.
૧૯૨૬માં સપ્ટેમ્બરમાં સૌથી વધારે સરેરાશ ૧૫ ઇંચથી વધુ વરસાદ થયો હતો. ૨૦૧૩માં સરેરાશ ૩૨૦ મીમી વરસાદ થયો હતો. ૨૦૧૯માં થયેલ ૧૩.૫ ઇંચ કરતાં આ વર્ષે સપ્ટેમ્બરમાં (૧૪ ઇંચ) વધુ વરસાદ થયો છે. જુલાઇમાં ૪૦ ટકા જેટલો જ્યારે ઑગસ્ટમાં ૨૮ થી ૩૦ ટકા જેટલો વરસાદ થતો હોય છે.
લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટીકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું. જેમાં જણાવ્યા મુજબ, લૉ પ્રેશરમાં થતા ફેરાફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળે છે. હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે, આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી જેના કારણે આ મહિને સારો વરસાદ થયો છે.


comments powered by Disqus