ગાંધીનગરઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિન ૧ લી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે. આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે હવે જ્યારે ભારતમાં સોનાની આયાત કરવામાં આવશે તેમાં આ એક્સચેન્જની મદદ હશે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે તેથી આ એક્સચેન્જને મોટું પગલું કહેવામાં આવે છે. આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના હશે.
આ એક્સચેન્જ ખુલ્યા બાદ સોનાની ખરી કિંમત નક્કી કરી શકાશે, કારણ કે અત્યારે સોનાની અલગ અલગ પદ્ધતિથી આયાત કરવામાં આવી રહી છે. દુબઇથી ભારતમાં ગોલ્ડ ટ્રેડીંગનો એક મોટો હિસ્સો શિફ્ટ થવાની આશા છે. દુનિયામાં સોનાના ભાવ કેવા ચાલી રહ્યાં છે તેની પર આ એક્સચેન્જની નજર હશે.
ગોલ્ડ એક્સચેન્જ આવ્યા પછી શેરની જેમ સોનાની ટ્રેડીંગ થઇ શકશે. એટલું જ નહીં એક્સચેન્જ શરૂ થયા પછી સોનાની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા આવશે. રિપોર્ટ પ્રમાણે એક્સચેન્જમાં સૌથી પહેલું ટ્રેડીંગ કંપની વોલ્ટ પાસે સોનું જમા કરાવશે, ત્યારબાદ વોલ્ટ મેનેજર સોનાની બદલીમાં ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ જાહેર કરશે.
પાંચ ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડીંગ થઇ શકશે. આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડીંગ થશે. ભારતીય ઘરોમાં ૨૨૦૦૦ ટન સોનું પડ્યું છે જે નિષ્ક્રિય છે. વિશેષજ્ઞાો કહે છે કે ભારત વર્ષે ૮૦૦ થી ૯૦૦ ટન સોનાનો વપરાશ કરે છે. ગિફ્ટ સિટીમાં આ એક્સચેન્જનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.