ઓખાની બોટ પર પાક.નું ફાયરિંગ: એક ખલાસીનું મોત, બોટ સાથે ૬ના અપહરણ

Tuesday 16th November 2021 11:50 EST
 

પોરબંદરઃ ભારતીય જળસીમામાં ઘૂસી પાક. મરિને કહેર મચાવ્યો હોય તેમ પોરબંદરની એક બોટનું છ ખલાસીઓ સાથે અપહરણ કર્યાની થોડા કલાકો બાદ જ ઓખાની બોટ પર ફાયરિંગ કરી એક ખલાસીનું મોત નીપજાવ્યું હતું. થોડાક જ કલાકોમાં પાકિસ્તાન મરિન્સે કરેલા કૃત્યની ગંભીર નોંધ લઈ ભારત સરકારે પાકિસ્તાનના રાજદૂતને મળવા બોલાવ્યા છે.
પોરબંદરની પદમણી કૃપા નામની બોટ છ ખલાસીઓ સાથે ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહી હતી ત્યારે પાક મરિનની પેટ્રોલિંગ શિપે તે બોટને ઘેરી લીધી હતી અને બંદૂકના નાળચે બોટ અને તેમાં સવાર ૬ ખલાસીઓ સાથે અપરહણ કરી કરાચી તરફ લઇ જવાઈ હતી. બોટમાં ભૂપત બાબુ નામનો ટંડેલ ઉપરાંત સંજય શીડવા, કિશોર માશ્યા, નીરેન્દ્ર બુજડ, અજય વોડુ, સંતોષ રામુ બુજડ નામના ખલાસીઓ હતા જે તમામનું અપહરણ કરાયું છે. આ અપહરણના થોડા કલાકો બાદ ફરીથી પાક. મરિનની બે પેટ્રોલિંગ શિપોએ ભારતીય જળસીમામાં ઘૂસીને કહેર મચાવ્યો હોય તેમ ઓખાની બોટ પર ફાયરિંગ કરી ખલાસીનું મોત નીપજાવ્યું છે. જે મામલે બોટના ટંડેલ દિલીપભાઈએ પોરબંદરના નવી બંદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે પોતે કોડીનારના માઢવાડ ગામના જેન્તી રાઠોડની ઓખાથી ઓપરેટ થતી જલપરી નામની ફિશિંગ બોટમાં ટંડેલ તરીકે ફરજ બજાવે છે. ગત તા ૨૫-૧૦ના રોજ ઓખા બંદરની ફકિરા જેટીથી તેઓ છ ખલાસીઓ સાથે ફિશિંગમાં જવા રવાના થયા હતા. તા ૬-૧૧ના રોજ ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની મરિન સિકયુરિટીની બે પેટ્રોલિંગ શિપ ત્યાં ધસી આવી હતી. દિલીપે તેની બોટ ૧૪થી ૧૬ નોટિકલ માઈલની ઝડપે ભગાડી હતી આથી પાક મરિનની પેટ્રોલિંગ શિપે હવામાં ફાયરિંગ કરી તેઓને અટકાવવાની કોશિશ કરી હતી અને બન્ને શિપ નજીક આવી ગઈ હતી અને તેમાં રહેલ જવાનોએ પોતાની બંદૂક વડે બોટ પર આડેધડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું આથી દિલીપે તમામ ખલાસીઓને બોટના એન્જિન રૂમમાં જતા રહેવા જણાવ્યું હતું એક ખલાસી શ્રીધર ચામડે તેની પાસે આવીને કેબિનમાં બેસી ગયો હતો. દરમિયાનમાં એક ગોળી દિલીપના ડાબા ગાલ પર ઘસરકો કરી નીકળી ગઈ હતી.
ત્યાર બાદ તેઓની બોટ જળસીમાની વધુ અંદર આવી જતા પાક. મરિનની બન્ને બોટો નાસી ગઈ હતી. અન્ય પાંચ ખલાસીઓ સલામત હતા પરંતુ શ્રાીધર નામના ખલાસીને ગોળી વાગતા મોત થયું હતું .
દીવના ખલાસીનો ચમત્કારિક બચાવ- પાકિસ્તાનના ગોળીબારમાં બીજા એક ખલાસીને ચહેરા ઉપર ઈજા થઈ હતી.


comments powered by Disqus