રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવાળી પછી આંશિક વધારો થયો છે અને સરકારના અનલોક નિયમોમાં હજુ માસ્ક અને ૬ ફૂટનું અંતર ફરજીયાત છે પરંતુ, આ નિયમો પોથીમાના રીંગણા જેવા થઈ ગયા છે.
એક તરફ ખુદ મુખ્યમંત્રીની હાજરીમા મોરબી અને જેતપુરમાં સભાના મંચ ઉપર આ નિયમોનો ભંગ જોવા મળ્યો હતો તો બીજી તરફ નાગરિકોના અનેકવિધ કાર્યક્રમોમાં, ભરી બજારોમાં માસ્ક-ડિસ્ટન્સને ફગાવી દેવાયેલા જોવા મળ્યા હતા.
જેતપુરમાં સ્વામિનારાયણ તીર્થધામના કાર્યક્રમમાં મંચ પર મુખ્યમંત્રીની સાથે તસ્વીર ખેંચાવવા ભાજપના નેતાઓએ માસ્ક ફગાવી કેમેરાના ફોકસની બહાર ન જાય તે માટે અડોઅડ ઉભા રહી ગયા હતા, મોરબીમાં પણ મુખ્યમંત્રીની હાજરી સાથે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
જાણે કે માસ્કના નિયમથી ગુજરાતમાં મુક્તિ મળી હોય તેવો આભાસ તે જોનારાને થતો હતો. ભાજપના મુખ્યમંત્રી, પૂર્વમુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ હોય કે સામાન્ય કાર્યકર આ નિયમભંગમાં નિયમિતતા લાંબા સમયથી જળવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં મળેલી છૂટછાટ બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં દિનપ્રતિદિન કોરોના
પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
