જોહાનિસબર્ગઃ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં દક્ષિણ આફ્રિકાના મતદારોએ શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને જોરદાર આંચકો આપ્યો હતો. ANCને આ ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં પણ ઓછાં મત મળ્યા હતા.
આ ચૂંટણીના પ્રચારમાં મોટાપાયે ભ્રષ્ટાચાર, બેરોજગારીનો સતત ઉંચો દર, વીજકાપ અને સરકારી સેવાઓની બિન અસરકારક કામગીરી મુખ્ય મુદ્દા રહ્યા હતા. ગયા ગુરુવારે સાંજે આવેલા પરિણામોમાં ANCને ૪૫.૫૯ ટકા મત જ મળ્યા હતા જે પાંચ વર્ષ અગાઉની મ્યુનિસિપલ ચૂંટણીમાં મળેલા ૫૪ ટકા મતથી ઓછાં હતા. તેના પરિણામે પક્ષને ઓછી કાઉન્સિલનું શાસન કરવા મળશે અને દેશના મોટા તથા નાના શહેરોમાં તેના ઓછાં મેયર હશે.
ANCના સૌથી નજીકના હરિફોમાં ડેમોક્રેટિક અલાયન્સ (DA)ને અગાઉ મળેલા મતોમાં ૫.૨૮ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે જુલિયસ માડેમાના ઈકોનોમિક ફ્રીડમ ફ્રન્ટ (EFF) ને આ વખતે અગાઉ કરતાં ૨.૧૩ ટકા વધુ મત મળ્યા હતા. નેલ્સન મંડેલાના પક્ષને આ પહેલી વખત જ કોઈપણ ચૂંટણીમાં થયેલા કુલ મતદાનના અડધાથી ઓછાં મત મળ્યા હતા.
સ્થાનિક ચૂંટણીમાં પ્રમુખ સીરિલ રામાફોસાના નેતૃત્વ હેઠળના ANCનો હિસ્સો સતત ઘટતો રહ્યો છે. રામાફોસાએ જણાવ્યું હતું કે મહત્ત્વના મેટ્રોપોલિટન વિસ્તારોમાં શાસન કરવા માટે પક્ષને ગઠબંધન કરવું પડશે.
પાંચ વર્ષ અગાઉ યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ પછી જોહાનિસબર્ગ અને પ્રિટોરિયા જેવા મુખ્ય શહેરોમાં ગઠબંધન સરકારો છે.
રાષ્ટ્રીય સ્તરે પણ ANCએ પ્રમુખ જેકબ ઝૂમાના ગઢ જેવા પ્રદેશ ક્વાઝૂલુ - નાતાલના એથેકવિની મેટ્રો સહિત ઘણાં વધુ પ્રાંતમાં ANCએ બહુમતી ગુમાવી છે. ત્રણ મતદારોમાંથી બે નોંધાયેલા છે અને તેના પણ અડધાથી ઓછાંએ ખરેખર મતદાન કર્યું હતું. ૨૦૨૪ના જનરલ ઈલેક્શનમાં મતદારો આગામી પ્રમુખ અને લેજિસ્લેટિવ રિપ્રેઝન્ટેટિવ્સની પસંદગી માટે મતદાન કરશે તેને માત્ર ત્રણ વર્ષ જ બાકી છે ત્યારે પક્ષના મોવડીમંડળને હવે પ્રશ્ર એ છે કે જે કંઈ વિરોધમાં ગયું છે તેને ફરી તરફેણમાં લાવવા માટે ત્રણ વર્ષ પૂરતા છે ?

