અંબાજીઃ નૂતન પર્વે અંબાજી લાખ્ખો શ્રદ્વાળુંઓથી ઊભરાયું હતું. એકમથી લાભ પાંચમ સુધી આઠ લાખ જેટલા શ્રદ્વાળુંઓએ માં અંબાના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. છેલ્લા પાંચ દિવસમાં ટ્રસ્ટને રૂ. ૯૦.૮૦ લાખની આવક થવા પામી છે.
નૂતન વર્ષે માં અંબાના આશીર્વાદ ગ્રહણ કરવા આવેલા માઇ ભક્તોને મુક્ત મને દાનની સરવાણી વહાવતા માં અંબાનો ભંડાર પણ છલકાઇ જવા પામ્યો હતો. વર્ષ ૨૦૨૦માં કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં મંદિર દર્શનાર્થે બંધ રહેવા પામ્યું હતું. તે જોતા વર્ષ ૨૦૧૯ દીપાવલીના પાંચ દિવસ દરમિયાન રૂ. ૬૭ લાખ જેટલી આવક નોંધાઇ હતી. જ્યારે વર્ષ ૨૦૨૧ના દીપાવલી પર્વે એકમથી પાંચમ સુધી આઠ લાખ જેટલા માઇ ભક્તોને માં અંબાના દર્શન કરી ધન્યા બન્યા હતા. પાંચ દિવસ દરમિયાન રોકડ, ભેટ અને ભંડારની આવક કરી મળી કુલ રૂ.૯૦.૮૦ લાખની આવક નોંધાઇ છે. મંદિર સુવર્ણ શિખરમાં પણ ત્રણ લાખનું દાન નોંધાવા પામ્યું છે. જ્યારે ૨.૬૦ લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થવા પામ્યું છે.

