મુડેઠાઃ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે.
રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોઈ, કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે, પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં અહી કોઈપણ જાતના પોલીસ-બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના લોકો આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે. એટલું જ નહિ, પરંતુ સાડા સાતસો વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી.
દાયકાઓથી ચાલતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ એ આજે પણ યથાવત્ છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે, પરંતુ મુડેઠા ગામના આ પરિવારો માટે તો આજેય સમય સાડાસાતસો વર્ષ અગાઉ જ થંભી ગયો હોય એમ આવનારી પેઢીઓ પણ એને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે.
ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં, પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામે ઊમટી પડે છે.

