અમદાવાદઃ અમદાવાદથી મુંબઇ જવા માટે હવે આવનારા દિવસોમાં રૂ. ૧૧ હજાર સુધીનું વન-વે એરફેર ચૂકવવું પડી શકે છે. કેમકે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવાઇ ભાડાની મર્યાદામાં ૯.૮૨થી ૧૨.૮૨ ટકા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ૪૦થી ૬૦ મિનિટનું લઘુતમ ભાડું રૂપિયા ૪૫૦૦ અને મહત્તમ ભાડું રૂપિયા ૧૧ હજાર રૂપિયા રહેશે. ફ્લાઇટ દ્વારા અમદાવાદથી મુંબઇ પહોંચવા માટે ૪૫ મિનિટથી ૧ કલાકનો સમય થાય છે. આમ, અમદાવાદ-મુંબઇ માટે મહત્તમ એરફેર હવે રૂપિયા ૧૧ હજાર સુધી જઇ શકે છે.
અમદાવાદથી દિલ્હી જવા માટે ૬૦ મિનિટથી વધુનો સમય થાય છે. જેના માટે અગાઉનું લઘુતમ ભાડું રૂ. ૪ હજાર અને મહત્તમ ભાડું રૂ. ૧૧૭૦૦ હતું. જેની સામે હવે લઘુતમ ભાડું વધીને રૂ. ૪૫૦૦ અને મહત્તમ ભાડું રૂ. ૧૩,૨૦૦ થઇ ગયું છે. આ જ રીતે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર હવે મહત્તમ રૂ. ૧૩૨૦૦, હૈદરાબાદનું એરફેર રૂ. ૧૪૬૦૦, પૂણેનું એરફેર રૂ. ૧૧ હજાર અને, બેંગાલુરુનું એરફેર રૂ. ૧૩૨૦૦ સુધી જઇ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકીટમા ૯થી ૧૨ ટકાનો વધારો કરાયો છે.