અમદાવાદઃ ડિજિટલ ઇન્ડિયા હેઠળ હવે દેશમાં હાઇટેક ટેક્નોલોજીમાં રોબોટીક્સ ધીમેધીમે પગપેસારો કરી રહ્યુ છે. હવે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર કોઇ મુસાફર અટવાશે તો 'મિત્ર રોબોટ' મદદે આવશે. તમામ પ્રકારની માહિતી પુરી પાડતી રોબોટીક્સ ટેકનોલોજી અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વખત લાવવામાં આવી છે.
ભારતીય સ્ટાર્ટઅપ ઇન્વેન્ટો રોબોટિક્સ દ્વારા રચાયેલ એક 'મિત્ર રોબોટ'નું આગમન અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટના ડિપાર્ચર ટર્મિનલમાં કરવામાં આવ્યુ છે. બેંગ્લોરથી આવેલી સ્ટાર્ટઅપની સ્પેશિયલ ટીમ દ્વારા આ રોબોટનું એરપોર્ટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે જેનું નામ 'મિત્ર રોબોટ' આપવામાં આવ્યુ છે જે એક સારા મિત્ર જેવો વ્યવહાર તમારી સાથે કરશે.
આ રોબોટ ટર્મિનલમાં આવનજાવન કરતા મુસાફરો વચ્ચે રહેશે. મુસાફરને કઇ એરલાઇનનું કાઉન્ટર ક્યાં છે તેમજ ટોઇલેટ ક્યાં ઉપલબ્ધ છે તે તમામ માહિતી સાથે જગ્યા પર રૂબરૂ લઇ જઇને રોબોટ મુસાફરને બતાવશે.