આખરે રૂ. ૫૨ કરોડમાં વેચાયું માલ્યાનું કિંગફિશર હાઉસ

Tuesday 17th August 2021 15:11 EDT
 
 

મુંબઇઃ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ આઠ વાર વેચવાના નિષ્ફળ પ્રયાસ પછી આખરે નવમા પ્રયાસમાં વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ રૂ. ૫૨.૨૫ કરોડમાં વેચાઈ ગયું છે. મુંબઈની વિલેપાર્લે સ્થિત આ પ્રોપર્ટીને હૈદરાબાદની સેટર્ન રિયલટર્સે ખરીદી લીધી છે. સેટર્ન રિયલટરે આ સોદા માટે મહારાષ્ટ્ર સરકારને રૂ. ૨.૬ કરોડ સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે. આ ઈમારતમાં એક બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર, એક અપર ફ્લોર છે. આશરે ૨૪૦૧.૭૦ ચોરસ મીટરમાં બનેલી આ ઈમારત એક સમયે માલ્યાની કિંગફિશર કંપનીનું હેડક્વાર્ટર હતી. આ પહેલા પણ માલ્યાની દેવાદાર બેંકોએ કિંગફિશર હાઉસ વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેંકો તરફથી રિઝર્વ પ્રાઈઝ વધુ રખાઈ હોવાથી તે વેચાઈ શક્યું ન હતું. માર્ચ ૨૦૧૬માં આ ઈમારતની રિઝર્વ પ્રાઈઝ રૂ. ૧૫૦ કરોડ રખાઈ હતી. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, આ ઈમારત મુંબઈ એરપોર્ટના બહારના વિસ્તારમાં છે.


comments powered by Disqus