રાજકોટઃ કોરોનાની પ્રથમ લહેર બાદ ફ્લાઈટમાં મુસાફરી કરનારની સંખ્યા સાવ ઘટી ગઇ હતી. જ્યારે બીજી લહેરમાં આ ચિત્ર બદલાયું છે. વર્ષ ૨૦૨૦ના મે, જૂન અને જુલાઇની સરખામણીએ ૨૦૨૧માં હવાઈ મુસાફરી કરનારની સંખ્યા ૧૧.૨૫ ગણી વધી છે અને ટકાવારીમાં આ પ્રમાણ ૧૧૨૫ ટકા થયું છે. વર્ષ ૨૦૨૦ માં મે, જૂન અને જુલાઇમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની આવન- જાવનની સંખ્યા ૨૯૩૩ હતી. જ્યારે ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૧માં મે, જૂન અને જુલાઇમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની આવન- જાવનની સંખ્યા ૩૩,૦૧૨ નોંધાઈ છે.
કોરોનાની બીજી લહેર બાદ લોકોની હવાઇ મુસાફરીની પસંદગીમાં પણ બદલાવ આવ્યો છે. કોરોનાને કારણે મુસાફરો મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સને પણ મહત્ત્વ આપવા લાગ્યા છે. જેને કારણે બિઝનેસ ટૂરમાં લોકો મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે.
એર ઈન્ડિયાની ૧૭ ઓગસ્ટની રાજકોટ- મુંબઈ ફ્લાઈટમાં કુલ ૮ સીટ બિઝનેસ ક્લાસ માટેની છે. જેમાંથી ૫ સીટ એડવાન્સમાં બુકિંગ થઇ ગઇ છે. રાજકોટ એરપોર્ટ પર મે માસમાં ૫૧ ફ્લાઇટ આવી હતી અને ૫૧ ફ્લાઇટ ટેક ઓફ થઇ હતી. જૂન માસમાં ફ્લાઈટ ૧૨૨ ટેક ઓફ થઈ હતી અને ૧૨૨ લેન્ડ થઈ હતી. જુલાઇ માસમાં ૧૨૭ ફ્લાઇટ આવી હતી અને ૧૨૭ ફ્લાઈટ લેન્ડ થઈ હતી.