ગાંધીનગરઃ અમદાવાદના નળ સરોવર બાદ હવે કડી પાસેના થોળ અને ડભોઈના વઢવાણા તળાવનો યુનેસ્કો હેઠળની સંસ્થા દ્વારા ‘રામસર’ સાઈટમાં સમાવેશ કર્યો છે. રામસર ઓર્ગેનાઈઝેશન વૈશ્વિક સ્તરે કુદરતી સંપદા અને સ્થળાંતરીત યાયાવર પક્ષીઓના સંરક્ષણ- સંવર્ધન માટે કાર્યરત સંસ્થા છે. હરિયાણાના સુલતાનપુર અને ભીંડવાડા સહિત ભારતની કુલ ચાર વેટલેન્ટ સાઈટને ‘રામસર’માં સમાવેશ કર્યો છે.
પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર યાદવે ભારતમાં હવે રામસર સાઈટની સંખ્યા ૪૬ થયાની માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ”આપણા માટે ગૌરવની વાત છે કે ભારતની ચાર સાઈટ્સને રામસરની માન્યતા મળે છે. આ ફરી એકવાર કુદરતી વસવાટોને જાળવી રાખવા, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી સંરક્ષણ માટે કામ કરવા અને પૃથ્વી ઉપર હરિયાળી નિર્માણની ભારતની સદીઓ જૂની નીતિને પ્રગટ કરે છે”
યુનેસ્કો પ્રેરિત ‘રામસર’ની માન્યતાથી શું ફેરફાર થશે
એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાતંરીત પક્ષીઓના સંવર્ધન- સંરક્ષણના ઉદ્દેશ્યથી વર્ષ ૧૯૭૧ માં ઈરાન ના રામસર ખાતે યુનેસ્કો દ્વારા કન્વેન્શન યોજાયું હતું. જેમાં જોડાયેલા દેશોએ કરેલી સંધિને ‘રામસર’ સંધિ કહેવાય છે અને તે જ નામથી આંતરાષ્ટ્રીય સ્તરનું સંગઠન પણ કાર્યરત છે.
જીવદયાને કારણે યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સૌથી વધુ સુરક્ષિત છે
નળ સરોવરની જોમ થોળ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને વઢવાણા તળાવ એ શિયાળામાં મધ્ય એશિયા, યુરોશિયાથી આવતા પક્ષીઓનું આશ્રાય સ્થાન છે. વાઈલ્ડ લાઈફ ફ્રોટોગ્રાફર ઝુબિન આશરાએ કહ્યુ કે, ત્યાંથી આવતા યાયાવર પક્ષીઓની રૂટમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી ત્યાં શિકારની પ્રવૃતિ વધી છે. અહીં ગુજરાતીઓમાં રહેલી જીવદયાને કારણે કચ્છના રણમાં છારીઢંઢ, ખિજડીયા, નડાબેટ, પોરબંદરના મોકારસાગર, કોડીનારના કાંજ નાનાવાડા સહિતના અનેક જળ પલ્લવિત ક્ષેત્રો ઈંડાનુ સેવન અને નવી પેઢીના જન્મ માટે સલામત રહ્યા છે. એટલે ભારતમાં જ્વલ્લે જ જોવા મળતું સાયબેરિયન રેડ બ્રેસ્ટેડ ગુઝ નળ સરોવર અને થોળ સુધી આવી પહોંચ્યું છે.