કાબુલથી ૧૫૦ ભારતીયો એરલિફ્ટ જામનગર લેન્ડિંગ

Tuesday 17th August 2021 14:43 EDT
 
 

જામનગરઃ વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી ૧૫૦થી વધુ લોકોને લઈને જામનગર એરફોર્સ બેઝ પર પહોંચ્યું હતું અને બાદમાં દિલ્હી-ગાઝિયાબાદ તરફ જવા ઉડાન ભરી હતી. કાબુલથી એરફોર્સનું જે વિમાન ભારત પરત ફર્યું તેમાં અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રુદેન્દ્ર ટંડન પણ પરત ફર્યા હતા. એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર એસડીએમ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. જામનગરમાં અફઘાનથી આવતા ભારતીયોને આરામ કરવા અને ઇંધણ પૂરાવા માટે રોકાણ કરવામાં આવ્યું હતું.
જામનગર ખાતે આ વિમાન પહોંચતાં અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઊમટ્યાં હતાં, સુરક્ષિત વતન પર પહોંચતાં જ ભારતીયોને હાશકારો થયો હતો. વડાપ્રધાને સતત મોનિટરિંગ કરીને આ સમગ્ર મિશન પર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગરમાં ઉતરાણ બાદ રુદ્રેન્દ ટંડને જણાવ્યુ હતું કે, અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ, કારણ કે હજુ કેટલાક ભારતીયો ત્યાં છે. કાબુલ એરપોર્ટ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી એર ઇન્ડિયા તેની વાણિજયીક વિમાની સેવા ચાલુ રાખશે. ભારતીયો આપણા દુતાવાસમાં રજીસ્ટ્રેશન કરવતાં નથી પરંતુ આવા સમયે તેમને પાછા લાવવા રજીસ્ટ્રેશન જરૂરી છે. એર ઇન્ડિયાને તેની સેવા બંધ કરવી પડી છે. કોઇ પણ ત્યાં ફસાયેલા ભારતીયને ભારત લાવવા અમે સક્રિય છીએ અને વિદેશ મંત્રાલયે એક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરી છે. ભારતીયો આવી બદલાયેલી સ્થિતિ વચ્ચે પણ અફઘાનમાં રહેવા તૈયાર હતા, તેમને સમજાવી લાવવામાં આવ્યા છે. અને કોમર્શીયલ ફલાઇટ ફરી શરૂ થતાં તેમને પાછા જવા દેવાશે.


comments powered by Disqus