દાહોદઃ જિલ્લામાં ફરી એકવાર મહિલા પર થતા અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો.પોતાના જ પરિવારના ૪ ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં છે. ત્યારે બીજી તરફ આ મામલે અત્યાચારનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.