ગુજરાતમાં રહી અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ વતન જવા નથી ઈચ્છતા

Tuesday 17th August 2021 14:48 EDT
 

અમદાવાદઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓમાં અને અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, ‘અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે. તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની મુદત લંબાવો, જરૂર લાગે તો ભારત સરકારની મંજૂરી લો. કંદહાર, કાબૂલ, જલાલાબાદ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાંથી હાલમાં ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં આશરે ૩૦થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓના વિઝા ઓગસ્ટના અંતમાં પૂરા થઈ રહ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીના વાલીઓ અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિના કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીની જે જી કોલેજમાંથી બીસીએની પદવી મેળવનાર અફઘાન વિદ્યાર્થી શહાબ શરિફી કહે છે કે,‘હાલની સ્થિતિના લીધે હું અને મારા જેવા અનેક વિદ્યાર્થીઓના પરિવારના લોકો ભયગ્રસ્ત છે. મારા સહિતના ૧૫થી વધુ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને વિઝાની મુદત લંબાવવામાં આવે તેવી અમારી માંગણી છે.’
બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓના વિઝાની અંતિમ મુદત ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સલામતિને ધ્યાનમાં રાખીને તેમને ભારતમાં રહેવા માટેની મંજૂરી આપવી જોઈએ.’


comments powered by Disqus