જૂનાગઢઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી. મુખ્યપ્રધાને ગુજરાતના પ્રજાજનોને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી ગુજરાતના વિકાસની ગૌરવગાથા વર્ણવતા કહ્યું કે, ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજથી સુરાજ્યના સંકલ્પ સાથે ઉત્તમથી સર્વોત્તમ બનવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે.
ગુજરાતની હરીફાઇ હવે કોઇ રાજ્ય સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે તેમ જણાવી મુખ્યપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયા પર હવે વિશ્વકક્ષાના સ્થાપિત થઇ રહેલા પ્રોજેક્ટ્સ અને ગુજરાતની નવી ઉંચાઇ અને સિદ્ધિઓ જણાવી હતી.
મુખ્યપ્રધાને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા ૨.૦ યોજનાની જાહેરાત કરી છે તે અંતર્ગત ગુજરાતમાં પાંચ લાખ ગેસ કનેક્શન રાહત દરે આપવામાં આવશે. ઉપરાંત રાજ્યની બાવન નગરપાલિકાઓને દૈનિક પાણી પુરવઠા યોજના માટે ૭૮૦ કરોડની ફળવણી કરાશે. યોજના દીઠ રૂ.૧૫ કરોડનો લાભ મોટી પાલિકાઓને મળશે. પાલિકા કાર્યો કરવા પ્રેરાય માટે નગરપાલિકાઓને સ્ટાર રેન્કિંગ આપવામાં આવશે. મુખ્યપ્રધાને પોલીસને વધુ સજ્જ કરવા, ગુના ખોરી ડામવા ગુજરાત પોલીસને ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા અર્પણ કર્યા હતા. મુખ્યપ્રધાને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલી સ્વાતંત્ર્ય સેનાની લાભશંકર ભાઇ દવેનું સન્માન કરી વૃક્ષારોપણ કર્યું હતું.