લુસાકાઃ પાંચ નિષ્ફળ પ્રયાસ પછી આખરે છઠ્ઠો પ્રયાસ બિઝનેસ ટાયકૂન હકાઈન્દે હીચીલેમા માટે શુકનિયાળ પૂરવાર થયો હતો અને તેઓ ઝામ્બિઆના પ્રેસિડેન્ટ ચૂંટાયા હતા. દેશના સર્વોચ્ચ હોદ્દા માટે ૧૬ ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ, તેમાં ૬૪ વર્ષીય એડગર લુન્ગુ અને હિચીલેમા વચ્ચે જ મુખ્ય સ્પર્ધા હતી. હીચીલેમાએ પ્રેસિડેન્ટપદેથી વિદાય લઈ રહેલા તેમના મુખ્ય હરિફ એડગર લુન્ગુને એક મિલિયન કરતાં વધુ વોટથી પરાજય આપ્યો હતો. હીચીલેમાના વિજય પછી તેમના હજારો સમર્થકો "let's go Bally" ના સૂત્રોચ્ચાર સાથે લુસાકાની સ્ટ્રીટ્સમાં ઉમટી પડ્યા હતા.
પ્રાથમિક અહેવાલોમાં ઓબ્ઝર્વર મિશનોએ રાજકીય હિંસાના થોડાંક બનાવોને બાદ કરતાં ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ હોવાનું જણાવ્યું હતું.
૫૯ વર્ષીય હીચીલેમા પોતાને સામાન્ય 'કેટલ બોય' તરીકે ઓળખાવે છે. ઝામ્બિઆના સૌથી વધુ ધનવાન વ્યક્તિઓ પૈકી એક બન્યા પહેલા તેઓ તેમના પરિવારના પશુઓની સંભાળ રાખતા હતા.
યુનાઈટેડ પાર્ટી ફોર નેશનલ ડેવલપમેન્ટ (UPND)ના નેતા અને પ્રેસિડેન્ટપદે ચૂંટાયેલા હીચીલેમા HH તરીકે વધુ જાણીતા છે. તેમણે યુનિવર્સિટી ઓફ ઝામ્બિઆની સ્કોલરશિપ મેળવી હતી અને પાછળથી યુકેની યુનિવર્સિટી ઓફ બર્મિંગહામથી એમબીએની ડિગ્રી મેળવીને ગ્રેજ્યુએટ થયા હતા. તેમણે ફાઈનાન્સ, પ્રોપર્ટી, રેંચિંગ, હેલ્થકેર અને ટુરિઝમના બિઝનેસથી સંપતિ એકત્ર કરી હતી.
અગાઉ તેમણે મતદારોને જણાવ્યું હતું કે તેમને કોપરથી સમૃદ્ધ અને બેરોજગારીનો ઉંચો દર ધરાવતા આ દેશમાં અર્થતંત્રને કેવી રીતે ગતિમાન રાખવું તે સમજી શકે તેવા બિઝનેસમેન જોઈએ. પોતાના કૃષિક્ષેત્ર સાથેના મૂળનો ઉપયોગ કરીને તેમણે દેશના ખેડૂતોને જણાવ્યું હતું કે તેઓ ઝામ્બિઆને આ પ્રદેશ માટે ફૂડ બાસ્કેટમાં પરિવર્તિત કરી શકે તેમ છે.
પરંતુ, યુવા મતદારો સાથે સંપર્ક કેળવવાની તેમની ક્ષમતા જ કદાચ તેમની આ સફળતાનું સૌથી મોટું પાસું છે. ઝામ્બિઆમાં નોંધાયેલા ૭ મિલિયન મતદારોમાંથી અડધાં કરતા વધુ ૩૫થી નીચેની વયના છે. તેમાં પાંચમાંથી એક બેરોજગાર છે.
તેમની રાજકીય કારકિર્દીમાં હીચીલેમાએ સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. ચૂંટણીમાં પાંચ વખત પરાજય સાથે તેઓ લોકોને હંમેશા યાદ કરાવતા કે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારથી ૧૫ વખત તેમની ધરપકડ કરાઈ હતી.