વેરાવળ: જગવિખ્યાત સોમનાથ મંદિર સાંનિધ્યે આવેલી હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર યાદવાસ્થળી બાદ કૃષ્ણ ભગવાને સ્વંયમ પોતાના સ્વજનોના અસ્થિઓનું ત્રિવેણી સંગમ ઘાટ આવી પિંડદાન કર્યું હોવાનું શાસ્ત્રોમાં વિદિત છે ત્યારે સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે ત્રિવેણી સંગમ ઘાટ પર અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિની સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડ્યું છે. તેને લઈ વિવાદ સર્જાયો હતો.
આ જાહેરનામાની સોમનાથ ટ્રસ્ટની સિક્યુરિટી દ્વારા અમલવારી કરાવવામાં આવતા અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિ કરતા સ્થાનિક તીર્થ પુરોહિતો રોષે ભરાયાં હતાં એક તબક્કે બંન્ને પક્ષો સામ સામે આવી જતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. રોષે ભરાયેલા તીર્થ પુરોહિતો ધરણાં પર બેસી ગયા હતા.
સોમનાથ ટ્રસ્ટ શું કહે છે ?
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા એક પત્રથી જણાવવામાં આવ્યું છે કે, પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીનું જળ ખુબ જ પ્રદૂષિત છે. આ નદીને પ્રદૂષિત થતી અટકાવા ટ્રસ્ટે કલેક્ટરને વિનંતી કરી હતી જેના આધારે કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ હવેથી પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં ફુલ, પુષ્પો, પૂજાપો, નાળીયેર, કપડાં કે અસ્થિઓનું વિર્સજન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પૂજનવિધિ સામે કોઈ પ્રતિબંધ નથી. લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે ત્રિવેણી ઘાટ પર કુંડ મુકવામાં આવ્યો છે જેમાં લોકો અસ્થિ વિસર્જન કરે તેવી અપીલ છે.