સુરતઃ ડાયમંડ બુર્સ શરૂ થતાની સાથે રફ ડાયમંડનું સુરતમાં માઈનીંગ કંપનીઓ દ્વારા વેચાણ થાય તે માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો અને આગેવાની સંસ્થાઓ છેલ્લાં દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાની સ્થિતિમાં સુધારો આવતાં હવે સુરતમાં દેશનું પહેલુ રફ ડાયમંડનું ઓક્શન માઈનીંગ કંપની દ્વારા યોજવામાં આવશે. જેથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા હીરા અન ઝવેરાતનું સરળતાથી ઓક્શન થઈ શકે તે માટે ઓક્શન હાઉસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
રૂ. ૪ કરોડના અંદાજિત ખર્ચે અને અલથાણ-વેસુ રોડ પર આવેલા ટાઈટેનિયમ સ્કેવરમાં ૨૨૦૦ સ્કે.ફૂટમાં તૈયાર થયેલા ડાયમંડ ઓક્શન હાઉસને સુરતમાં કાર્યરત કરવા માટે જાન્યુઆરીમાં જીજેઈપીસી ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહે તેનું ઉદ્દઘાટન કર્યું હતું. આ અંગે જીજેઈપીસી ગુજરાતના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા એ જણાવ્યુ હતું કે, અત્યાર સુધીનું ભારતનું આ પ્રકારનું પહેલું ઓક્શન હાઉસ સુરતમાં તૈયાર થયું છે. જ્યાં રફ કે પોલિશ્ડ ડાયમંડની સાથો સાથ ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી, ગોલ્ડ-સિલ્વરનું સુરતની કે દેશની કંપનીઓ સહિત ઈન્ટરનેશનલ કંપનીઓ પણ સરળતાથી ઓક્શન કરીને તેનું ખરીદ-વેચાણ કરી શકશે.