પાલનપુરઃ બનાસકાંઠા ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત વીડિયો વાઇરલ કરવા અંગે તેમના પુત્ર શૈલેશ પટેલે થરાદ પોલીસ મથકે મુકેશ રાજપૂત અને મઘા પટેલ સામે સાંસદને બદનામ કરવાના હેતુથી વીડિયો એડિટ કરી અને વાઇરલ કરવા તેમજ નાણાંની માંગણી કરવા બદલ ગુનો દાખલ થતાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
આ મામલે સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેશ પટેલે વીડિયો વાઇરલ કરવાની ચીમકી આપનાર મઘા પટેલ, મદદગારી કરવા મામલે મુકેશ રાજપૂત સામે બદનામ કરવાની ધમકી આપી અને નાણાં પડાવવાની પેરવી રચી અને વીડિયોને એડિટિંગ કરી કાવતરૂ રચ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ ”પરબતભાઈ જાહેર જીવનના એક પ્રમાણિક, નિષ્ઠાવાન અને શુદ્ધ ચરિત્રવાળા આગેવાન છે” એમ કહ્યુ હતુ.
આ વીડિયો પાંચ વર્ષ અગાઉ અમદાવાદ બનાવાયો હોવાનું મનાઈ રહ્યું છે.